Surat,તા.27
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ 103 કીલોમીટરના વાયડકટની બંને બાજુએ 2,06,000 નોઈઝ બેરિયર્સની સ્થાપના કરી છે. દર 1 કિલોમીટરના પટ્ટા માટે, વાયડકટની દરેક બાજુએ વ્યુહાત્મક રીતે 2,000 ધ્વનિ નિયંત્રકો મૂકવામાં આવ્યા છે, જેમાં અમદાવાદમાં ત્રણ ફેકટરીઓ અને સુરત, વડોદરા અને આણંદમાં એક-એક ફેકટરી આવેલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્વનિ નિયંત્રકો ટ્રેન દ્વારા ઉત્પાદીત એરોડાયનેમીક અવાજ તેમજ ટ્રેક પર દોડતા પૈડાઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજને પ્રતિબિંબિત કરે છે અને તેનું વિતરણ કરે છે. દરેક અવરોધની ઉંચાઈ 2 મીટર અને પહોળાઈ 1 મીટર હોય છે, જેનું વજન આશરે 830-840 કીગ્રા હોય છે.
રહેણાંક અને શહેરી વિસ્તારોમાં 3 મીટર ઉંચા ધ્વનિ નિયંત્રકો લગાવવામાં આવ્યા છે. આમાં 2 મીટર કોંક્રિટ અવરોધની ઉપર 1- મીટરની વધારાની અર્ધપારદર્શક પોલિકાર્બોનેટ પેનલનો સમાવેશ થાય છે, જેથી મુસાફરો અવરોધ વિના દ્દશ્યોનો આનંદ માણી શકે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટે પણ મહત્વના બાંધકામના કામોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. 243 કિલોમીટરથી વધુ વાયડકટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, જેમાં 352 કિલોમીટરનું થાંભલાઓનું કાર્ય અને 362 કિલોમીટરનું થાંભલાના ફાઉન્ડેશનનું કામ પણ સામેલ છે. 13 નદીઓ પર પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને પાંચ સ્ટીલ પુલો અને બે પીએસસી પુલો દ્વારા અનેક રેલવે લાઈનો અને રાજમાર્ગોને પાર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ટ્રેકનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેમાં આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં આરસી (રિઈન્ફ્રોસ્ડ કોંક્રિટ) ટ્રેક બેડનું નિર્માણ ચાલી રહ્યું છે. આરસી ટ્રેક બેડનું 71 ટ્રેક કિલોમીટરનું બાંધકામ પુર્ણ થઈ ગયું છે અને વાયડકટ પર રેલનું વેલ્ડીંગ શરૂ થઈ ગયું છે.
એનએચએસઆરસીએલના વહીવટી સંચાલક વિવેકકુમાર ગુપ્તાએ જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટ પર્યાવરણને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક તકનિકને જોડીને હાઈસ્પીડ રેલ બાંધકામમાં નવા માપદંડો સ્થાપિત ચાલુ રાખે છે. પ્રોજેકટ આર્થિક વિકાસને વેગ આપવા માટે તૈયાર છે.