
ફિલ્મ મેકર્સના મતે ,“આ ફિલ્મમાં મા કાલીનું એક શક્તિશાળી, બહાદુર અને નવું સ્વરૂપ જોવા મળશે
Mumbai, તા.૧૨
ડિરેક્ટર પ્રશાંત વર્માએ ગુરુવારે તેમના પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સની પહેલી ફિમેલ સુપર હિરો ફિલ્મની જાહેરાત કરી છે,‘મહાકાલી’. આ ફિલ્મ તેમણે પોતે જ લખી છે અને માર્ટિન લ્યુથર કિંગ ફિલ્મ ડિરેક્ટ કરી ચૂકેલી પૂજા અપર્ણા કોલ્લુરૂ આ ફિલ્મને ડિરેક્ટ કરશે. જ્યારે આરકેડી સ્ટુડિયોના રિવાઝ રમેશ દુગ્ગલ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે.આ ફિલ્મ અંગે જાહેરાત કરતાં પ્રશાંતે એક્સ પર પોસ્ટ કરી હતી,“આપની સમક્ષ બ્રહ્માંડની નવી શક્તિ રજૂ કરવા આરકેડી સ્ટુડિયો સાથે હાથ મિલાવવા ઉત્સુક છીએ. પ્રસ્તુત કરીએ છીએ ‘રાઇઝ ઓફ મહાકાલી’- દેવી કાલીનું એક સ્વરૂપ- અનિષ્ટના મહાસંહારક. આ નવરાત્રિમાં અમે બીબાંઢાળ વિચારોને તોડીશું અને બતાવીશું કે ખરો સુપરહિરો કેવો હોય. હેપ્પી દશેરા.”તેમણે આ ફિલ્મની એક કોન્સેપ્ટ વીડિયો શેર કરી હતી, જેમાં આ સૌથી શક્તિશાળી સુપરહિરોનો પરિચય કરાવ્યો હતો. અનાઉન્સમેન્ટના પોસ્ટરમાં એક એવી છોકરી દેખાય છે, જે પ્રેમપૂર્વક વાઘના માથાને પોતાનું માથું અડાડતી દેખાય છે. ત્યાર બાદ આગમાંથી એક પૈડું ફરતું દેખાય છે અને તેમાંથી એક પૂલ, ઝૂંપડી અને એક દુકાન દેખાય છે. આ ફિલ્મની વાર્તા બંગાળ પર આધારિત હશે, પરંતુ હજુ તેની કાસ્ટ જાહેર થઈ નથી. ફિલ્મ મેકર્સના મતે ,“આ ફિલ્મમાં મા કાલીનું એક શક્તિશાળી, બહાદુર અને નવું સ્વરૂપ જોવા મળશે, ફિલ્મનો વિષય મજબૂત અને સામાજિક રીતે સ્પર્શે તેવો છે. આ કાલી ઇન્ડિયન સિનેમા માટે દરેક રૂઢિઓનું ખંડન કરશે અને સુંદરતાની નવી વ્યાખ્યા લખશે.”પ્રશાંત આ પહેલાં કલ્કિ, અને ઝોમ્બી રેડ્ડી જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. તેમણે ‘હનુમાન’ સાથે સિનેમેટિક યુનિવર્સની શરૂઆત કરી છે. હવે તેની સીક્વલ ‘જય હનુમાન’ પણ આવશે. તે ઉપરાંત પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સમાં દસરી કલ્યાણ અને મોક્ષગાન તેજા જેવા પાત્રો પરની ફિલ્મો પણ આવશે. તેમની ફિલ્મ ‘અધિરા’ ભગવાન ઇન્દ્ર આધારિત હોવાનું મનાય છે. પ્રશાંત વર્માના યુનિવર્સમાં ‘મહાકાલી’ પાંચમી ફિલ્મ બનશે.