Gondal. તા.29
ગોંડલમાં ગુંદાળા રોડ પર પ્રેમ લગ્નનો ખાર રાખી રાજકોટ રહેતાં સાળાએ બનેવીની કાર સળગાવી નાંખી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગોંડલના ગુંદાળા રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતાં આશીષભાઈ સુધીરભાઈ જયસ્વાલ (ઉ.વ.24) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કેવલ સંજય ચાવડા, જયદીપ હિતેષ નિમાવત (રહે. બંને રાજકોટ) ના નામ આપતા ગોંડલ બી. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 326 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ગોંડલમા મેકસ મીનરલ વોટર સપ્લાય નામનો પાણી સપ્લાયનો ધંધો કરે છે. તેમના લગ્ન છએક મહીના પહેલા રાજકોટના સંજયભાઈ પરસોત્તમ ચાવડાની દીકરી સાથે થયેલ અને બંનેએ પ્રેમ લગ્ન કરેલ હતાં. ગઈ તા.23 ના તેઓ પરીવાર સાથે સુતા હતાં ત્યારે તેમના પાડોશીનો ફોન આવેલ કે, તમારી ફોર વ્હીલ ગાડી સળગે છે તેમ જણાવતાં તેઓ તાત્કાલીક બહાર નીકળેલ અને જોયુ તો તેમની એસન્ટ ગાડી નં.જીજે-07-બીએન-1244 સળગતી હતી અને શેરીના માણસો ભેગા થઇ જતા કારમાં લાગેલ આગ ઓલવી નાખેલ હતી.
બાદમાં ઘરની આસપાસ જોયેલ તો કોઈ વ્યકતી જોવામા આવેલ નહી જેથી અમે પાડોશીના ઘરના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા બે વાગ્યા આસપાસ તેમનો સાળો કેવલ ચાવડા તથા તેની સાથે જયદીપ બાવાજી તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો બે બાઇકમાં આવેલ હતા અને અમારી ગાડી સળગાવતા કેમેરામાં નજરે પડ્યા હતાં.
તેઓએ પ્રેમ લગ્ન કરેલ હોય તે બાબતેનો ખાર રાખી સાળાએ અગાઉ પણ અવારનવાર બોલાચાલી પણ કરેલ હતી પરંતુ ત્યારે કોઈ ફરીયાદ કરેલ ન હતી. તેમજ કાર સળગાવવા બાબતે પણ વાતચીત ચાલતી હતી પરંતુ સમાધાન ન થતાં આરોપીઓએ કાર સળગાવી નાંખી રૂ.1 લાખની નુકશાની થયાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ પીઆઈ જે.પી.ગોસ્વામીએ હાથ ધરી હતી.