Ahmedabad,તા.16
એક સમય એવો હતો કે, બાળકો તેના માતા-પિતાની કોઈ વાતને અવગળે તો વડિલને તે ‘કેસ’ સુપ્રત કરી દેવાનો હતો. હવે વિભકત કુટુંબમાં તો વડિલો ‘અદ્રશ્ય’ થઈ ગયા છે તે સમયે માતા-પિતાની મદદે સરકારી હેલ્પલાઈન 181 આવી રહી છે. આ વાસ્તવિકતા છે.
2024ના વર્ષમાંજ અભયમ-181 હેલ્પલાઈન આવા 655 કોલ માતા-પિતા તરફથી મળ્યા જેમાં તેમના બાળકો સંબંધીત સમસ્યામાં હેલ્પલાઈનના નિષ્ણાંતોની મદદ માંગતા હતા જે અગાઉના વર્ષ કરતા 40% વધુ ફરિયાદો આવી હતી.
મોટાભાગના કોલમાં સંતાનો દ્વારા મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગ, સોશ્યલ મિડીયાનું બંધાણ થઈ જવુ, બાળકોની સાથે સતત વાત કરતી રહેવી, અભ્યાસ ન કરવો, પ્રેમ પ્રકરણ અને કયારેક ખરાબ સંગત અંગે પણ માતા-પિતા જયારે પોતે સંતાનને સમજાવવા નિષ્ફળ જાય તો હેલ્પલાઈનની મદદ લેતા થઈ ગયા છે.
હાલમાં જ મોબાઈલના કારણે કૌટુંબિક સમસ્યાઓ વધવા લાગી છે. માતા-પિતાએ ફોન લઈ લેતા અને અભ્યાસની ચિંતા કરવાનું કહેતા એક ટીન એજર છોકરી એ આત્મહત્યા કરી હતી અને હાલમાંજ એક ભાઈ-બહેન વચ્ચે મોબાઈલ મુદે વિવાદ થયો તો બહેને ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું.
મોબાઈલ એ આવેશ વધારી દીધો છે તેમાં હેલ્પલાઈન હવે માનસીક નિષ્ણાંતોને પણ સામેલ કરીને ટીનએજરોને સમજાવવા કોશીશ કરી છે. જો કે અભયમને સૌથી વધુ કેસ તો ડોમેસ્ટીક વાયોલન્સ- ઘરેલુ હીંસાના નોંધાયા.
પતિ-પત્ની કે ફેમીલીમાં મહિલાઓ પર થતા અત્યાચારમાં આ હેલ્પલાઈન ખૂબ મદદરૂપ પુરવાર થઈ છે. વ્યક્તિગત તનાવમાં પણ લોકો હેલ્પલાઈનની મદદ લેવા લાગ્યા છે. કોઈ સતામણી કે કાનૂની મુદે પણ આ હેલ્પલાઈન મદદરૂપ પુરવાર થઈ છે.