Mumbai,તા.23
કુસ્તીબાજમાંથી રાજકારણી બનેલી બબીતા ફોગાટે ફિલ્મ દંગલથી બોલિવૂડ સ્ટાર આમિર ખાન પાસેથી તેનાં પરિવારને મળેલી રકમ અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન, બબિતા ફોગાટે ખુલાસો કર્યો હતો કે, તેને ફિલ્મ દંગલના 2000 કરોડની અસાધારણ રકમમાંથી માત્ર 1 કરોડ જ મળ્યાં હતાં. નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત અને આમિર ખાનની દંગલ એ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ છે.
જે ભારતમાં 23 ડિસેમ્બર 2016 ના રોજ રિલીઝ થઈ હતી. આમિરે મહાવીર ફોગાટની ભૂમિકા ભજવી હતી જે તેની પુત્રીઓ ગીતા અને બબીતાને કુસ્તીબાજ બનવાની તાલીમ આપે છે.
આ ફિલ્મે વિશ્વમાં ખૂબ જ કમાણી કરી હતી અને અંદાજે લગભગ 2000 કરોડથી વધુની કમાણી કરી હતી. મહાવીર ફોગાટ અને તેનાં પરિવાર આધારિત આ ફિલ્મથી ફોગાટ ફેમેલીને કેટલા રૂપિયા મળ્યાંના જવાબમાં બબિતા ફોગાટે ખુલાસો કર્યો કે અમને ફિલ્મની 2000 કરોડની કમાણીમાંથી માત્ર એક કરોડ રૂપિયા જ મળ્યાં હતાં.
બબીતા ફોગાટની શાનદાર કારકિર્દી
બબિતા ફોગાટે નાની ઉંમરથી જ તાલીમ લેવાનું શરૂ કર્યુ હતું. તેને કોમનવેલ્થ ગેમ્સમાં 55 કિલોગ્રામ વર્ગમાં બે વખત 2010 માં સિલ્વર અને 2014 માં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં. તેને રિયો ઓલિમ્પિક 2016 માં 53 કેજી મહિલા વર્ગની કુસ્તી ટીમનો પણ ભાગ લીધો હતો, પરંતુ તેને મેડલ મળ્યો ન હતો.
જો કે તેને 2012 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો હતો. બબીતાએ રાજકારણમાં જોડાવા માટે રમતગમતમાંથી નિવૃત્તિ લીધી હતી. તેને કુસ્તીબાજ વિવેક સુહાગ સાથે લગ્ન કર્યા છે.