રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર તરીકે આજે નિવૃત્ત થયેલા શક્તિકાંત દાસે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફુગાવા-વિકાસ વચ્ચે સમતુલા પ્રસ્થાપિત કરવાની રિઝર્વ બેન્ક માટે આગળ જતા મહત્વની કામગીરી બની રહેશે.
આરબીઆઈના ગવર્નર તરીકે છ વર્ષ વિતાવ્યા બાદ આજે પોતાની અંતિમ પત્રકાર પરિષદને સંબોધતા દાસે જણાવ્યું હતું કે તેમના અનુગામીએ બદલાઈ રહેલી વિશ્વ વ્યવસ્થામાંથી પસાર થવાનું રહેશે અને સાયબર જોખમોને અસરકારક રીતે હાથ ધરવાના રહેશે તથા નવી ટેકનોલોજિઓના ઉપયોગ પર ખાસ ધ્યાન આપવાનું રહેશે.
નાણાંકીય સર્વસમાવિષ્ટતાને પ્રોત્સાહન આપવા ઉપરાંત નવા ગવર્નર સંજય મલ્હોત્રા સીબીડીસી તથા યુએલઆઈ જેવી રિઝર્વ બેન્કની પહેલોને આગળ ધપાવશે તેવી તેમણે અપેક્ષા વ્યકત કરી હતી. રિઝર્વ બેન્ક સમક્ષ રહેલા પડકારો અંગે બોલતા દાસે જણાવ્યું હતું કે ફુગાવા તથા વિકાસ વચ્ચે સમતુલા પ્રસ્થાપિત કરવાની એક મહત્વની કામગીરી રિઝર્વ બેન્ક સમક્ષ રહેલી છે. દેશનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક અને વૈશ્વિક પડકારોને અસરકારક રીતે હાથ ધરી શકાય તેટલું મજબૂત છે.
દાસના સ્થાને નવા ગવર્નર તરીકે નિમાયેલા રેવેન્યુ સચિવ સંજય મલ્હોત્રા બુધવારે પોતાનો હોદ્દો ગ્રહણ કરશે. છેલ્લા છ વર્ષમાં રિઝર્વ બેન્ક તથા નાણાં મંત્રાલય વચ્ચેનું સંકલન શ્રેષ્ઠ રહ્યું હતું. નાણાં મંત્રાલય તથા રિઝર્વ બેન્ક વચ્ચે કયારેક મતભેદ રહે છે, પરંતુ પોતાની મુદત દરમિયાન તેને આંતરિક ચર્ચા મારફત ઉકેલી દેવાયા હતા.
આર્થિક વિકાસ માત્ર રેપો રેટથી જ નહીં પરંતુ અન્ય પરિબળોને કારણે પણ અસર પામે છે, એમ દાસે એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.