આરોપીઓ તપાસમાં સહકાર આપી રહ્યાં નથી અને સમય વેડફી રહ્યાં છે ત્યારે સાત દિવસના રિમાન્ડ આપવા જોઇએ
Ahmedabad, તા.૧૧
ફ્લેટ આપવાનું કહી લાખોની ઠગાઇ કરનાર ત્રણ આરોપીઓની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એન. વોરાએ આરોપીઓના બે-બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. ફ્લેટ આપવાનું કહી ઠગાઇ કરવાના કેસમાં પોલીસે સતિષ વિઠ્ઠલભાઇ પટેલ, પવન ડાહ્યાભાઇ પટેલ અને તુષાર દશરથભાઇ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ મનિષા સેન્ડરે રિમાન્ડ અરજી મુદ્દે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓ બોગસ દસ્તાવેજ બનાવવા તથા તૈયાર કરાવવા મામલે કોની મદદ મેળવી, આરોપીઓએ મૂળ માલિકો સાથે બનાખત કે મિલકત અંગે લખાણો કર્યા છે કે નહીં, આરોપીઓએ ફરિયાદી પાસેથી પૈસા મેળવ્યા હતા તે રકમ ક્યાં છે, આ કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે તેઓ ક્યાં છે, એક આરોપી પ્રદ્યુમન પટેલ હાલ જેલમાં છે તેને સાથે રાખી આરોપીઓની પૂછપરછ કરવાની છે, આરોપીઓએ આ રીતે અન્ય કોઇ લોકોને ઠગ્યા છે કે નહીં, આરોપીઓએ જે એમઓયુ બનાવ્યા હતા તે લખાણો કોના કહેવાથી બનાવ્યા, આરોપીઓના કુદરતી લખાણના નમૂના લેવાના છે, આરોપીઓ તપાસમાં સહકાર આપી રહ્યાં નથી અને સમય વેડફી રહ્યાં છે ત્યારે સાત દિવસના રિમાન્ડ આપવા જોઇએ. જો કે, આરોપીઓ તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, જે જાણતા હતા તે વિગતો પોલીસને જણાવી દીધી છે, ૨૪ કલાકથી વધુ સમય સુધી પોલીસની કસ્ટડીમાં હતા, પોલીસ જે મુદ્દે તપાસ માટે રિમાન્ડ માગી રહી છે તેમાં આરોપીઓની હાજરી જરૂર નથી ત્યારે રિમાન્ડ ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.