રાજસ્થાનના એસ્ટેટ બ્રોકરને નરોડામાં રહેતી મહિલાએ પ્રોપર્ટીનું કામ છે કહીને બોલાવ્યો અને નરોડા વિસ્તારમાં આવેલી કેનાલ પાસે લઇ ગઇ હતી
Ahmedabad, તા.૧૪
રાજસ્થાનના એસ્ટેટ બ્રોકરને નરોડામાં રહેતી મહિલાએ પ્રોપર્ટીનું કામ છે કહીને બોલાવ્યો અને નરોડા વિસ્તારમાં આવેલી કેનાલ પાસે લઇ ગઇ હતી. જ્યાં બંને કારમાં બેસીને વાતો કરતા હતા. આ દરમિયાન ત્રણ શખ્સો આવ્યા અને મારી પત્ની સાથે શું કરે છે તેની સાથે કેમ દુષ્કર્મ આચર્યું કહીને ડરાવ્યો હતો. બાદમાં ત્રણેય શખ્સોએ બ્રોકેરને કહ્યું કે આ મામલે પોલીસ ફરિયાદ ના થાય તેવું કરવું હોય તો પતાવટના રૂ. ૫૦ લાખ આપવા પડશે તેમ કહીને રૂપિયાની માગણી કરી હતી. બ્રોકરે ઇનકાર કરતા તેનું અપહરણ કરીને ગળા પર ચપ્પુ મૂકીને સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા ૩.૪૦ લાખની મત્તા લૂંટી લીધી હતી. આ અંગે બ્રોકરે બે મહિલા સહિત પાંચ લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આ કેસમાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ કરી છે. રાજસ્થાનના બાલોતરામાં રહેતા મુકેશભાઇ ગેહલોત રિયલ એસ્ટેટનું કામ કરે છે. એપ્લિકેશન મારફતે પ્રોપર્ટીનો ધંધો કરે છે. માટે કામ અર્થે તેમને અન્ય રાજ્યોમાં પણ અવર જવર રહેતી હોય છે. જેમાં થોડા સમય પહેલા તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને પોતે નિકોલમાં રહે છે અને શીતલ પટેલ નામ જણાવ્યું હતું અન પ્રોપર્ટી વિશે વાત કરવા જણાવ્યું હતું. જેથી મુકેશભાઇએ અમદાવાદ આવીશ ત્યારે ફોન કરીશ તેમ કહ્યું હતું. જેથી ગત ૧૬ નવેમ્બરે મુકેશભાઇ અમદાવાદ આવ્યા અને કામ પૂર્ણ કરીને શીતલને ફોન કરતા તેને નરોડા મુઠિયા ગામ પાસે આવેલી સોસાયટીના મકાનમાં બોલાવ્યા હતા. મુકેશભાઇ તેમના મિત્રની કાર લઇને ધ પાર્ક સોસાયટી પાસે ગયા હતા. જ્યાં શીતલ મળી હતી અને તેની સાથે અન્ય યુવતી પણ હતી. બાદમાં તમામ લોકો એક મોલમાં ખરીદી કરવા માટે ગયા હતા જ્યાં આગળ ચા નાસ્તો કર્યો હતો. તે તમામ રૂપિયા મુકેશભાઇએ ચૂકવ્યા હતા. બાદમાં શીતલબેન મુકેશભાઇને કારમાં બેસાડીને કેનાલ પાસે લઇ ગઇ હતી. જ્યાં બંને વાતો કરતા હતા બાદમાં મુકેશભાઇ બાથરૂમ કરવા માટે નીચે ઉતર્યા હતા આ દરમ્યાન એક ક્રેટા કારમાં ત્રણ શખ્સો આવ્યા હતા. ત્રણેય શખ્સોએ ઉતરીને મુકેશભાઇ પાસે આવીને તું મારી પત્ની શીતલ સાથે શું કરે છે કહીને તેમનું અપહરણ કરીને કારમાં બેસાડ્યા હતા. બાદમાં તે મારી પત્ની સાથે દુષ્કર્મ કેમ કર્યું કહીને કાર ઇન્દોર હાઇવે પર લઇ ગયા હતા. તેમજ તમામે ભેગા મળીને મુકેશભાઇને તારી પર દુષ્કર્મની ફરિયાદ કરીશું તેમાંથી બચવું હોય તો રૂપિયા ૫૦ લાખ આપ તેવી માગણી કરી હતી. જેથી મુકેશભાઇએ મિત્રને ફોન કરીને રૂપિયા ૧ લાખ મંગાવ્યા હતા. જ્યારે મિત્ર આપી ગયો હતો. બાદમાં બીજા રૂપિયા ૪ લાખ ન થતા તમામે મુકેશભાઇને ગળે ચપ્પુ મૂકીને પહેરેલા રૂપિયા ૨.૪૦ લાખના દાગીના લૂંટી લીધા હતા. બાદમાં મુકેશભાઇને દહેગામ પાસે ઉતારીને તેમની કાર આપીને જતા રહ્યા હતા. આ અંગે મુકેશભાઇએ નરોડા પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોધાવી છે.