કારતક વદ આઠમ કાલભૈરવ જયંતિ ઊજવવામાં આવે છે.આ તિથિએ ભગવાન શિવના ગુસ્સાથી પ્રદોષકાલમાં ભૈરવ પ્રગટ થયાં હતાં.આ ભૈરવનું જ એક સ્વરૂપ કાલભૈરવની સાથે સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે.ભગવાન શિવજીએ બધી શક્તિપીઠોની રક્ષાની જવાબદારી કાલ ભૈરવને આપી હતી એટલે બધી શક્તિ પીઠના મંદિરોમાં કાલભૈરવનું ખાસ પૂજન કરવામાં આવે છે.કાલભૈરવના દર્શન વિના દેવી મંદિરોના દર્શનનું પુણ્ય અધૂરૂં માનવામાં આવે છે.તેમની પૂજામાં ચમેલીનું ફૂલ ચઢાવવામાં આવે છે.સરસિયાના તેલનો ચૌમુખો દીવો પ્રગટાવો અને આખું નારિયેળ દક્ષિણા સાથે ચઢાવવું.પ્રદોષ કાલ કે મધ્યરાત્રિમાં જરૂરિયાતમંદને ધાબળાનું દાન કરવું.આ દિવસે ૐ કાલભૈરવાય નમઃ મંત્રની એક માળા કરવી.પૂજા કર્યા પછી ભગવાન ભૈરવને જલેબીનો ભોગ ધરાવવો.આજના દિવસે પૂજા-પાઠ કરવાથી નકારાત્મકતા,ભય અને અશાંતિ દૂર થાય છે.
ભૈરવ ભગવાન શિવનું પૂર્ણરૂપ છે.ભગવાન શિવની માયાથી મોહિત મૂર્ખ લોકો તેને જાણી શકતા નથી.મહેશ્વર સર્વવ્યાપી,મન અને વાણીથી પર છે પરંતુ મૂઢબુદ્ધિવાળા તેમને ફક્ત દેવતા જ સમજે છે અને તેમને જોઇ શકતા નથી.આ વિશે એક પુરાતન કથા સાંભળીએ.એકવાર તમામ દેવતાઓ અને ઋષિગણ પરમતત્વને જાણવાની ઇચ્છાથી સુમેરૂ પર્વત ઉપર બ્રહ્માજી પાસે જઇને પુછ્યું કે અદ્વિતિય અને અવિનાશી તત્વ શું છે? ભગવાન શિવની માયાથી મોહિત બ્રહ્માજી પરમતત્વને ન સમજતાં સામાન્ય વાત કરવા લાગ્યા કે હું જગતનું મૂળ કારણ છું.હું જ સમગ્ર જગતનો પ્રવર્તક,સંવર્તક તથા નિવર્તક છું.મારાથી મોટો કોઇ નથી.જ્યારે બ્રહ્માજી આ વાત કહી રહ્યા હતા તે સમયે ત્યાં ઉપસ્થિત સનાતની માયાથી વિમોહિત વિષ્ણુ ર્હંસીને બ્રહ્માજીને ઉદ્દેશીને કહે છે કે આપની આ મૂર્ખતા ઉચિત નથી.પરમતત્વને ન જાણવાથી આપ વ્યર્થ બોલો છો.તમામ લોકોનો કર્તા પરમપુરૂષ પરમાત્મા માયાધીશ હું છું.આપ મારી આજ્ઞાથી સૃષ્ટિની રચના કરો છો.આમ પરસ્પર તિરસ્કૃત થઇને બંન્ને વિવાદ કરવા લાગ્યા.
ઋગ્વેદમાં કહ્યું છે કે જેમાં તમામ ભૂતો સ્થિત છે.જેનાથી તમામ પ્રવૃત્ત થાય છે તે પરમતત્વ રૂદ્ર છે. યજુર્વેદમાં કહ્યું છે કે મનુષ્ય યોગ અને યજ્ઞો દ્વારા જે ઇશ્વરની આરાધના કરે છે તે તમામના દ્રષ્ટા શિવ જ પરમતત્વ છે.સામવેદમાં કહ્યું છે કે યોગીઓ જેનું ચિંતન કરે છે અને જેના પ્રકાશથી સંસાર પ્રકાશિત છે તે એકમાત્ર ત્ર્યંબક શિવ જ પરમતત્વ છે.અથર્વવેદમાં કહ્યું છે કે જેની ભક્તિના અનુગ્રહથી ભક્તો જેનો સાક્ષાત્કાર કરે છે તે દુઃખરહિત અને કૈવલ્યસ્વરૂપ એકમાત્ર શંકરને પરમતત્વ કહે છે.ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ કહે છે કે દિગંબર,પિતવર્ણવાળા,નિરંતર પાર્વતી સાથે રમણ કરનાર,અત્યંત વિકૃતરૂપ વાળા, જટાધારી, સર્પોના આભૂષણ ધારણ કરનાર શિવ પરમબ્રહ્મ કેવી રીતે કહેવાય?
આ સમયે બ્રહ્મા અને વિષ્ણુની વાતો સાંભળીને સર્વત્ર વ્યાપક નિરાકાર પ્રણવ મૂર્તિમાન પ્રગટ થઇને કહ્યું કે પરમેશ્વર શિવ સનાતન તથા સ્વયં જ્યોતિસ્વરૂપ છે અને શિવા તેમની આહ્લાદિની શક્તિ છે.આમ કહેવા છતાં શિવમાયાથી મોહિત બ્રહ્મા અને વિષ્ણુનું અજ્ઞાન દૂર ના થતાં ત્યાં પોતાના પ્રકાશથી પૃથ્વી અને આકાશ વચ્ચે એક મહાન જ્યોતિ પ્રગટ થઇ તે જોઇ ક્રોધથી બ્રહ્માજીનું પાંચમું મસ્તક બળવા લાગ્યું.તે ક્ષણે ત્રિલોચન,હાથમાં ત્રિશૂળ ધારણ કરેલ શિવ પ્રગટ થતાં બ્રહ્માજી ર્હંસીને કહે છે કે હે ચંદ્રશેખર ! પૂર્વ સમયમાં તમે મારા લલાટમાં રડતા રડતા ઉત્પન્ન થયા હતા તેથી તમારૂં નામ રૂદ્ર રાખ્યું હતું.તમે મારા શરણમાં આવો હું તમારી રક્ષા કરીશ.બ્રહ્માની આવી અહંકારયુક્ત વાણી સાંભળીને શિવજી અત્યંત ક્રોધિત થાય છે.તે સમયે ક્રોધના પરમતેજથી દેદીપ્યમાન ભૈરવનામના પુરૂષને ઉત્પન્ન કરીને કહ્યું કે સર્વપ્રથમ તમે આ પદ્મયોનિ બ્રહ્માને દંડ કરો.તમારાથી કાળ પણ ડરશે તેથી તમે કાલભૈરવ તરીકે ઓળખાશો.તમામ નગરીઓમાં શ્રેષ્ઠ મુક્તિનગરી કાશીના અધિપતિ બનશો.કાલભૈરવે બ્રહ્માજીના પાંચમા મુખને ડાબા હાથની આંગળીઓના નખથી કાપી નાખ્યું.જે અંગ અપરાધ કરે છે તેને દંડ આપવો જોઇએ એટલે જે મસ્તકે શિવ નિંદા કરી હતી તેને કાપી નાખ્યું.બ્રહ્માજીનું મસ્તક કપાઇ જતાં વિષ્ણુજી ભયભીત થઇને શતરૂદ્રિય મંત્રોથી ભક્તિપૂર્વક શિવજીની સ્તુતિ કરી.આમ બંન્ને અહંકારરહિત થયા.તેમને જ્ઞાન થયું કે શિવ જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ છે.જ્યાંસુધી અહંકાર છે ત્યાંસુધી જ્ઞાન લુપ્ત રહે છે.અહંકારનો ત્યાગ કરવાથી જ મનુષ્ય પરમેશ્વરને જાણી શકે છે.કાલભૈરવ પર બ્રહ્માની હત્યાનો આરોપ લાગ્યો હતો તે પાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન શિવ તેમને યાત્રા કરવા જવા માટે કહે છે અને યાત્રા દરમિયાન કાલભૈરવ ઉજ્જૈનના અવંતિકા નગરમાં ક્ષિપ્રા નદીમાં સ્નાન કરે છે ત્યારબાદ મહાકાલ વનમાં જાય છે અને પર્વત પર તપસ્યા કરે છે.આ સ્થાન ભૈરવ-પર્વત તરીકે ઓળખાય છે.અહીં તપસ્યા દરમિયાન ભૈરવ બ્રહ્માની હત્યાના દોષમાંથી મુક્ત થાય છે.(શિવપુરાણ ભાગ-૨ શતરૂદ્રસંહિતા)
ધાર્મિક નગરી ’અવંતિકા’ ઉજ્જૈન પ્રથમ ’મહાકાલનગરી’ તરીકે જાણીતી હતી.જ્યાં ભગવાન શિવ અનેક સ્વરૂપોમાં બિરાજમાન છે.જ્યાં ભગવાન કાલભૈરવ દરરોજ મંત્રોચ્ચાર બાદ લગભગ બે હજાર દારૂની બોટલનું સેવન કરે છે.મંદિરની આસપાસની દુકાનોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે.આજ સુધી સંશોધન કરી રહેલ પુરાતત્વ વિભાગ પણ બાબા કાલભૈરવના શરાબ પીવાનું રહસ્ય શોધી શક્યું નથી.બાબા કાલભૈરવનું મંદિર ક્ષિપ્રા નદીના કિનારે ઓખાલેશ્વર જાગ્રત સ્મશાન પાસે ભૈરવ પર્વત નામના સ્થળે આવેલું છે જ્યાં નજીકમાં પાતાળ ભૈરવી ગુફા પણ છે.
ભૈરવનો અર્થ છે જે ભય દૂર કરે છે.ભૈરવ શબ્દના ત્રણ અક્ષરોમાં બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની શક્તિ છે. ભૈરવને શિવના ગણ અને પાર્વતીના અનુયાયી માનવામાં આવે છે.હિંદુ દેવતાઓમાં ભૈરવનું ખૂબ મહત્વ છે.તેમને કાશીના કોટવાલ કહેવામાં આવે છે.આજે કાલભૈરવ જયંતી મુસીબતમાંથી છુટકારો મેળવવા તથા રક્ષા મેળવવા માટે કાલભૈરવ દાદાની પૂજા ઉત્તમ ફળદાયક ગણાય છે.ભૈરવની ઉત્પત્તિ શિવના લોહીમાંથી થઈ હોવાનો ઉલ્લેખ છે.આ લોહીને બે ભાગમાં વહેંચવામાં આવ્યું.પહેલું બટુક ભૈરવ અને બીજું કાલ ભૈરવ.મુખ્યત્વે બે ભૈરવની પૂજા કરવામાં આવે છે.ભગવાન શિવના પાંચમા અવતાર ભૈરવને ભૈરવનાથ પણ કહેવામાં આવે છે.નાથ સંપ્રદાયમાં તેમની પૂજાનું વિશેષ મહત્વ છે.
કાલભૈરવ મંદિર આશ્ચર્ય અને આસ્થાનું અદભૂત મિશ્રણ છે.ભૈરવનું પ્રખ્યાત પ્રાચીન અને ચમત્કારિક મંદિર ઉજ્જૈન અને કાશીમાં છે.કાલભૈરવનું મંદિર ઉજ્જૈનમાં છે અને બટુક ભૈરવનું લખનૌમાં મંદિર છે. ભૈરવમંદિર કાશી-વિશ્વનાથ મંદિરથી બે કિલોમીટરના અંતરે આવેલું છે.બીજું નવી દિલ્હીમાં વિનયમાર્ગ ઉપર નહેરૂ પાર્કમાં આવેલ બટુક-ભૈરવનું પાંડવ મંદિર ખૂબ પ્રખ્યાત છે.ત્રીજું ઉજ્જૈનના કાલ-ભૈરવની ખ્યાતિનું કારણ પણ ઐતિહાસિક અને તાંત્રિક છે.નૈનીતાલ પાસે ઘોડાખાડનું બટુકભૈરવ મંદિર પણ ખૂબ પ્રખ્યાત છે.અહીં ભૈરવ ગોલુ દેવતાના નામથી પ્રખ્યાત છે.આ સિવાય શક્તિપીઠો અને ઉપપીઠની નજીક આવેલા ભૈરવ મંદિરોનું મહત્વ માનવામાં આવ્યું છે.
કાલભૈરવ મંદિરમાં દારૂ ચઢાવ્યા પછી તે અદ્રશ્ય થઈ જાય છે.મંદિરમાં તાંત્રિક પૂજાની પરંપરા છે, જેમાં માંસ,દારૂ,માછલી,ચિકન અને અન્ય વસ્તુઓ અર્પણ કરવામાં આવતી હતી પરંતુ હવે વર્ષોથી વહીવટીતંત્રએ તે અટકાવી દીધી છે.જો કે અહીં ભગવાનને આજે પણ દારૂ ચઢાવવામાં આવે છે.મંત્રોચ્ચાર કરતી વખતે ભગવાન પોતે તે દારૂ પીવે છે.દારૂ પીધા પછી તે અદ્રશ્ય થઈ જાય છે.ભગવાન કાલભૈરવના દારૂ પીવા પર ભારત સરકાર દ્વારા અહીં સંશોધન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ સંશોધન સફળ થયું નહોતું આ રહસ્ય આજે પણ રહસ્ય છે તે ભગવાનનો મહિમા કહો કે એક ચમત્કાર..!
ઉજ્જૈન આવનાર દરેક ભાવિક ભક્તો મહાકાલના દર્શન પછી કાલભૈરવના મંદિરે દર્શન કરવા જાય છે.કાલભૈરવ રૂદ્રના પાંચમા અવતાર મનાય છે.’કાલ’નો અર્થ ’સમય’ થાય છે.મનુષ્ય-પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવની જે ગતિ થાય છે તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલાં કર્મની ગતિ અનુસાર ’સમય’ ઓળખવવાનું અતિ કઠન કાર્ય ’કાલ ભૈરવ’ કરે છે.શકિત ઉપાસનાથી લઇને તંત્ર સાધનાની ટોચ ઉપર પહોંચવા માટે ભૈરવની કૃપા અતિ જરૂરી બને છે.
વારણસીના રાજા ભગવાન શિવજીએ કાલભૈરવને અહીંના કોટવનળ બનાવ્યાં એટલે શહેરની સુરક્ષા કાલભૈરવના હાથમાં છે.અહીં કાલભૈરવનું મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે.બનારસમાં સ્થિત કાલભૈરવ મંદિરને સને ૧૭૧૫માં ફરી બનાવવામાં આવ્યું હતું જેને બાજીરાવ પેશ્વાએ બનાવ્યું હતું,તે પછી રાણી અહિલ્યાબાઈ હોલકરે આ મંદિરનું ફરી નિર્માણ કરાવ્યું હતું.મૂળ બનાવટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.મંદિરની બનાવટ તંત્રશૈલીના આધારે કરવામાં આવેલ છે. ઈશાન કોણમાં તંત્ર-સાધના કરવાની ખાસ જગ્યા છે.
જીવનમાં આવતી બાધાઓને દૂર કરવા અને શત્રુઓને પરાજિત કરવા માટે કાલભૈરવ જયંતીના દિવસે પાંચ કે સાત લીંબુની માળા બનાવી કાલભૈરવ બાબાને ચડાવો.જો જીવનમાં આર્થિક તંગીથી પરેશાન થઈ ગયા હોય તો કાલભૈરવ જયંતિ પર કાળા કૂતરાને મીઠી રોટલી એટલે કે રોટલી સાથે ગોળ ખવડાવો.જો તમારા શરીરમાં રોગ ઘર કરી ગયા હોય તો રોગથી મુક્તિ મેળવવા માટે કાલભૈરવ જયંતીના દિવસે જરૂરિયાતમંદ લોકોને ઘઉં,ગરમ કપડા કે કાળા ધાબડાનું દાન કરો.રાહુ કે કેતુ સંબંધિત દોષ દૂર કરવા માટે અને નકારાત્મક શક્તિઓથી બચાવ કરવા માટે કાલ ભૈરવ જયંતીના દિવસે ભૈરવનાથ મંદિરમાં જઈને કાલભૈરવાષ્ટકનો પાઠ કરવો.
આલેખનઃ વિનોદ માછી નિરંકારી