Rajkot તા.23
સામાજિક અને ન્યાય અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લાના સરધાર ખાતે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ તથા તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે,અક્ષર જ્ઞાન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળક આંગણવાડી કેન્દ્રમાં જઈ શીખે છે ત્યારે બાળકની બીજી માતા યશોદા તેના ઉજજવળ ભવિષ્યની દરકાર લે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણએ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો છે ત્યારે બાળકો આંગણવાડીઓમાં જઈ જ્ઞાન સાથે ગમ્મત મેળવી પાયાના શિક્ષણમાં મજબૂત બનશે. આ સાથે જ મંત્રીશ્રીએ આંગણવાડી કેન્દ્ર ખાતે વધુમાં વધુ વૃક્ષારોપણ અને કિચન ગાર્ડન બનાવવા પર ભાર મૂક્યો હતો.
લોકાર્પણ પ્રસંગે મંત્રીના હસ્તે ભુલકાઓને સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા. બાળકોએ નૃત્ય દ્વારા મંત્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું. મંત્રીએ ભારતીય પરંપરા અનુસાર નંદઘર ખાતે કુંભ સ્થાપન કરી દીપ પ્રજવલન કર્યું હતું. વિશેષત: બાળકો સાથે સંવાદ કરી તેમને સ્વહસ્તે પોષણક્ષમ નાસ્તો જમાડ્યો હતો તેમજ બાળગીત વગેરે તેમની પ્રવૃત્તિઓ નિહાળી ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૂ.૭.૪૫ લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્ર તથા ૧.૫ લાખના ખર્ચે મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં બાળકો માટે શિક્ષણ કક્ષ, રસોડું, સંગ્રહ કક્ષ, શૌચાલય અને રમતગમતના સાધનો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, મામલતદાર કે.એચ.મકવાણા, તાલુકા પંચાયત સદસ્યચેતનભાઇ પાણ, સરધારના સરપંચ પીન્ટુભાઇ ઢાંકેચા,અગ્રણી મનહરભાઈ બાબરીયા,
મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલ, સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.