New Delhi,તા.૭
દિલ્હી-એનસીઆરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ સહિત અનેક જગ્યાએ ધરતી ધ્રૂજી ગઈ. ભૂકંપનું કેન્દ્ર નેપાળનું લોબુચે હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૭.૧ હતી. તેની અસર ભારતમાં દિલ્હી, બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સુધી જોવા મળી હતી. ચીની મીડિયાને ટાંકીને જણાવાય છે કે નેપાળની સરહદે તિબેટમાં આવેલા ૭.૧ની તીવ્રતાના ભૂકંપમાં આજે ૯ લોકોના મોત થયા છે. પરંતુ તેની અસર ભારતમાં પણ ઘણી જગ્યાએ જોવા મળી હતી. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર લોબુચે નેપાળના ઉત્તર-પશ્ચિમમાં ૮૪ કિમી દૂર હતું. તે લગભગ ૧૦ કિમીની ઊંડાઈએ નોંધવામાં આવ્યું હતું. ખાસ કરીને ઉત્તર બિહારમાં આ આંચકા અનુભવાયા હતા. મોતિહારી, દરભંગા, સમસ્તીપુર, સિવાન, અરરિયા, સુપૌલ અને પૂર્ણિયા તેમજ મુઝફ્ફરપુર જેવા અનેક જિલ્લાઓમાં તેનો અનુભવ થયો હતો.
બિહારમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ માપવામાં આવી હતી. સમસ્તીપુર અને મોતિહારી સહિત અનેક વિસ્તારોમાં સવારે ૬.૪૦ વાગ્યે ધરતી ધ્રૂજવા લાગી. મળતી માહિતી મુજબ લગભગ ૫ સેકન્ડ સુધી ધરતી ધ્રુજતી રહી. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળવા લાગ્યા હતા.પટણામાં સવારે ૬.૩૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સિવાય સહરસા, સીતામઢી, મધુબની અને અરાહ સહિત અનેક સ્થળોએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.આજે સવારે લગભગ ૬.૩૫ વાગ્યે પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં ભૂકંપના હળવા આંચકા પણ અનુભવાયા હતા. આ આંચકા દક્ષિણ બંગાળ કરતાં ઉત્તર બંગાળમાં વધુ અનુભવાયા હતા.
કાઠમંડુની રહેવાસી મીરા અધિકારીએ જણાવ્યું કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું સૂઈ રહી હતી ત્યારે અચાનક બેડ ધ્રુજવા લાગ્યો, મને લાગ્યું કે મારું બાળક બેડ હલાવી રહ્યું છે. મેં એટલું ધ્યાન ન આપ્યું, પછી મેં જોયું કે બારી પણ ધ્રૂજી રહી હતી, ત્યારબાદ મને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે.