Surat,તા.09
સુરત ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત વુમન ફૂટબોલ લીગ મંગળવારથી શરૂ થઈ છે. 17 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ખેલાડીઓની પ્રતિભા શોધવા માટે બનેલા ખેલો ઈન્ડિયામાં સુરતમાં ફુટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં અન્ડર-15 અને અન્ડર-17ની 6 ટીમ મળી 90 ગર્લ્સ સુરતમાં ફૂટબોલ રમતી જોવા મળશે. આ સ્પર્ધામાં સુરતમાં તમામ સુવિધાઓથી સજ્જ શાળાની વિદ્યાર્થીઓ વચ્ચે ઓછી નજીવી સુવિધાનો ઉપયોગ કરી પ્રેક્ટીસ કરી સમિતિની શાળાની વિદ્યાર્થીની ટીમ પણ મેદાનમાં ઉતરી છે.
ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સએ ભારતમાં રમતગમતના સુવિધા છે, જે હાલની સુવિધા પર નિર્મિત છે, જેનો ઉદ્દેશ સંભવિત ખેલાડીઓને મૂળભૂત સુવિધા પુરી પાડવાનો હેતુ છે અને જેમાં 17 વર્ષથી ઓછી ઉંમરના શાળાના વિદ્યાર્થીઓમાં પ્રતિભા શોધવા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. સુરતમાં છેલ્લા કેટલાક વખતથી ફુટબોલ લોકપ્રિય સમત બની રહી છે તેમાં પણ હવે ફુટબોલમાં ગર્લ્સની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. સુરતમાં પ્રતિષ્ઠિત સ્કુલોમાં તમામ સુવિધાઓ સાથે ખેલાડીઓ તૈયાર કરાવમાં આવે છે જેમાંથી પાંચ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. જ્યારે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પાસે મેદાન અને કોચનો અભાવ હોવા છતાં પહેલી વખત ફૂટબોલ ટીમ તૈયાર કરી છે અને તે ટીમ મેદાનમાં ઉતરી છે.
સુરતના નરથાણ વિસ્તારમાં ફાઉન્ટન હેડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ખેલો ઈન્ડિયા” અંતર્ગત ભારત સરકારના મહિલા રમત વિકાસ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા ફુટબોલ એસોસીએશનનાં નેજા હેઠળ લીગ મેચનો પ્રારંભ થયો છે. આ લીગ ચેમ્પ્સનશીપમાં અંડર 15 વયજુથમાં અને અંડર-17 વયજુથમાં 6 ટીમો ભાગ લીધો છે. આ લીગમાં ભાગ લેનાર ટીમ દરેક વૈકલ્પિક દિવસોમાં હોમ અને ડબલ લીગથી દરેક ટીમ 10 મેચ રમશે. ચેમ્પયન ટીમને ભારત સરકારનાં સ્પોર્ટસ ઓથોરીટી તરફથી 50,000 અને રનર્સઅપ મહિલા ટીમોને 30,000 નું ઈનામનો ચેક આપવામાં આવશે.
આ સ્પર્ધામાં સુરતની મોટી સ્કૂલ સાથે સાથે પાલિકાની સ્કુલની ટીમે પહેલી વખત ભાગ લીધો છે. ઉત્રાણ શાળાની વિદ્યાર્થીનીઓ ગઈ કાલે પહેલી લીગ મેચ રમી હતી. કોઈ ખાસ સુવિધા કે કોચ વિના પહેલી વખત આવી મોટી સ્પર્ધામાં શિક્ષણ સમિતિની ટીમ ઉતરી છે તેના કારણે સમિતિના બાળકોમાં રહેલી પ્રતિભા હવે બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.