લગભગ બે દાયકા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમેલો મિશ્રા ૨૦૧૭માં ટેસ્ટ રમ્યો હતો, આઇપીએલમાં ત્રણ વાર હેટ્રિક લીધી હતી
Mumbai, તા.૫
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને ખ્યાતનામ લેગ સ્પિનર અમિત મિશ્રાએ ગુરુવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તે ભારત માટે ૨૦૧૭માં ટેસ્ટ મેચ રમ્યો હતો પરંતુ ત્યાર બાદ આઇપીએલમાં સૌથી સફળ બોલર રહ્યો હતો. આ સાથે તેની બે દાયકા ચાલેલી કારકિર્દીનો અંત આવી ગયો છે.હરિયાણાનો ૪૨ વર્ષીય અમિત મિશ્રા છેલ્લે ૨૦૧૭માં ભારત માટે ટેસ્ટ રમ્યો હતો તો ૨૦૨૪માં છેલ્લી વાર ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં રમ્યો હતો. આ ટી૨૦ લીગમાં એક સમયે સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ તેના નામે હતો. આ ઉપરાંત આઇપીએલમાં તે એવો એકમાત્ર બોલર છે જેણે ત્રણ વાર હેટ્રિક લીધી હોય.ગુરુવારે તેણે પોતાની નિવૃત્તિની વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે હું નિવૃત્ત થઈ રહ્યો છું. આ નિર્ણય વારંવારની ઇજાઓને કારણે તથા એ વિશ્વાસ સાથે લઈ રહ્યો છું કે નવી પેઢી હવે મારું સ્થાન લેવા માટે સજ્જ છે.અમિત મિશ્રા ભારત માટે ૨૨ ટેસ્ટ, ૩૬ વન-ડે અને દસ ટી૨૦માં રમ્યો હતો તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની લેગ સ્પિન બોલિંગથી ૭૬ અને વન-ડેમાં ૬૪ વિકેટ ઝડપી હતી. એક ક્લાસિક લેગ સ્પિનર તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરનારા મિશ્રાએ ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સાથે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જોકે તે અગાઉ ૨૦૦૩માં મિશ્રાએ સાઉથ આળિકા સામે રમીને વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.આ ગાળામાં મોટા ભાગની મેચોમાં હરભજનસિંઘ અને અનીલ કુંબલે ભારતના આધારભૂત અને નિયમિત સદસ્ય હોવાને કારણે મિશ્રાને વન-ડે બાદ ટેસ્ટ ટીમમાં સ્થાન હાંસલ કરવામાં સમય લાગ્યો હતો. જોકે ટેસ્ટ ટીમમાં પ્રવેશ મળતાં જ મિશ્રાએ તેની કાબેલિયત પુરવાર કરી દીધી હતી અને પોતાની પ્રથમ ટેસ્ટમાં જ તેણે ઓસ્ટ્રેલિયાની પાંચ વિકેટ ઝડપી હતી. એ મેચની બીજી ઇનિંગ્સમાં તેણે બે વિકેટ લીદી હતી. જોકે આ પાંચ વિકેટની સિદ્ધિ તેની કારકિર્દીમાં એક જ વાર જોવા મળી હતી.૨૦૦૦ની સાલમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનારા મિશ્રાએ જણાવ્યું હતું કે આ ૨૫ વર્ષ મારી જીવનના એકદમ યાદગાર વર્ષ પુરવાર થયા છે. આ માટે હું હરિયાણા ક્રિકેટ એસોસિયેશન અને બીસીસીઆઈનો આભારી છું. અમિત મિશ્રાની અંતિમ સ્પર્ધાત્મક મેચ લખનૌ સુપર જાયન્ટ્સ માટે ૨૦૨૪ની આઇપીએલની મેચ રહી હતી. જ્યારે તેની લિમિડેટ ઓવરના ઇન્ટરનેશનલ ક્રિકેટના સમયે જ ભારત પાસે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા બે સ્પિનર રમી રહ્યા હતા. આ બંને સ્પિનર સારા ઓલરાઉન્ડર પણ હતા જેને કારણે મિશ્રાને ઓછી તક મળી હતી. ગુરુવારે પોતાનો નિર્ણય જાહેર કરતી વખતે મિશ્રાએ નિવૃત્તિ બાદ કોચ કે કોમેન્ટેટર તરીકે કારકિર્દી અપનાવીને ક્રિકેટ સાથે સંકળાયેલા રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આઇપીએલમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ, ડેક્કન ચાર્જર્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વતી રમીને ૧૬૬ વિકેટ ઝડપી હતી જ્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે ૫૩૫ વિકેટ ખેરવી હતી.