Ahmedabad,તા.૩૦
ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે. છેલ્લા ૧૧ વર્ષથી સરકાર ખેડૂતો પાસે ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે.
અરજીઓના આધારે સરકારે ૧૧ વર્ષમાં એકપણ ગામનો નકશો સુધાર્યો નથી, એમ તેમણે કહ્યું હતું તથા ગામના નકશામાં અસર આપ્યા વગર માત્ર માપણી સીટ જ બનાવીને સરકાર સંતોષ માને છે, એમ પાલભાઈ આંબલીયાએ વધુમાં ઉમેર્યું હતું. તે સિવાય ૧૧ – ૧૧ વર્ષ વીતવા છતાં સરકાર એક જ રટણ ચાલુ રાખે છે અમે સુધારી દેશું અમે સુધારી દેશું. ૧૧ વર્ષમાં એક ગામ ન સુધારી શક્યા તો ૧૨૦૦૦ ગામોમાં જ્યાં ભૂલ છે એને ક્યારે સુધારસો એમ તેમણે કહ્યું હતું.સરકારે આજે ફરી ભૂલ સુધારણા અરજીમાં મુદત વધારો આપ્યો છે. જ્યાં સુધી આખેઆખું ગામ ફરીથી ન મપાય ત્યાં સુધી ભૂલો સુધરે નહિ, એમ તેમણે વધુમાં કહ્યું હતું. અમે ૨૦૧૪-૧૫ થી માંગ કરીએ છીએ કે અરજીઓ નહિ આખેઆખા ગામ ફરીથી માપો પરંતુ સરકારનો જમીન માપણીની ભૂલો સુધારવાનો ઈરાદો નથી એ સ્પષ્ટ થાય છે
જો સરકાર આખેઆખા ગામો ફરીથી નહિ માપે તો અમો ગામેગામ જઈશું, એવી પ્રતિક્રિયા તેમણે આપી હતી. જમીન માપણી રદ્દ કરાવવાની માંગ દરેક ખેડૂત કરે તેના માટે જન અભિયાન ચલાવીશું ઉપરાંત ગામેગામથી જમીન માપણી રદ્દ કરવામાં આવે તેવા ફોર્મ ખેડૂતો પાસે ભરાવીશું, એમ પાલભાઈ આંબલિયાએ કહ્યું હતું.