Chennai,તા.20
અનુભવી ઓફ સ્પિનર આર.અશ્વિને કહ્યું હતું કે, તેને નિવૃત્તિ અંગે કોઈ અફસોસ નથી. તેમણે કહ્યું કે, મારા માટે આ કોઈ મોટો નિર્ણય ન હતો કારણ કે હું હવે નવાં રસ્તા પર આગળ વધી રહ્યો છું. તે ગુરુવારે વહેલી સવારે ઓસ્ટ્રેલિયાથી ઘરે પરત ફર્યો હતો.
સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ તેને ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બહાર લાવ્યાં હતાં. જ્યાં તેમનું ફૂલ-હાર અને બેન્ડ બાજા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
માતા-પિતાના આશીર્વાદ લીધા
38 વર્ષીય ખેલાડીને રિસીવ કરવા માટે પત્ની પૃથિ અને બે દીકરીઓ પણ એરપોર્ટ પહોંચી હતી. ઘરે પહોંચીને અશ્વિને માતા-પિતાના આશીર્વાદ લીધાં હતાં. માતાપિતાએ તેમને ગળે લગાવ્યો હતો. તેમને ફૂલોનો હાર પહેરાવાયો હતો. ત્યાં હાજર લોકોએ તેમની પાસેથી ઓટોગ્રાફ લીધાં અને તેમની શાનદાર કારકિર્દી માટે અભિનંદન આપ્યાં હતાં. આ પછી તેણે રાહ જોઈ રહેલાં પત્રકારો સાથે પણ વાત કરી હતી. બુધવારે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ ડ્રો થયાં બાદ તેણે અચાનક રમતમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
મેચના ચોથા દિવસે સમજાયું
અશ્વિને કહ્યું, આ ઘણાં લોકો માટે ભાવનાત્મક હોઈ શકે છે. લોકોને આશ્ચર્ય થઈ શકે છે પરંતુ જ્યાં સુધી મારી વાત છે, તે ઘણી રાહત અને સંતોષની વાત છે. મારાં માટે આ એક સરળ નિર્ણય હતો. હું થોડા સમયથી આ વિશે વિચારી રહ્યો છું. મેચનાં ચોથા દિવસે મને આ વાતનો અહેસાસ થયો અને પછી મેં આ નિર્ણય જાહેર કર્યો હતો.
કોઈ અફસોસ નથી
જ્યારે અશ્વિનને પૂછવામાં આવ્યું કે, શું તેને એ વાતનો અફસોસ છે કે તે હવે ક્યારેય રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરી શકતો નથી, તો તેણે તેનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું, હવે હું આ નહીં કરી શકું. મને એવો કોઈ અફસોસ નથી. સત્ય એ છે કે મને તેનો બિલકુલ અફસોસ નથી. મેં લોકોને પસ્તાવો કરતાં જોયાં છે પણ મને કોઈ પણ પ્રકારનો પસ્તાવો નથી.
હવે હું થોડો આરામ કરીશ
તેણે કહ્યું, પ્રામાણિકપણે કહું તો, મારે મારી કારકિર્દીમાં ઘણાં ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડ્યું છે. સામાન્ય રીતે, જ્યારે હું સૂવા જાઉં છું, ત્યારે હું વિકેટ લેવી, રન બનાવવા જેવી ઘણી બાબતો યાદ કરું છું, પરંતુ છેલ્લાં બે વર્ષથી આવું થતું ન હતું. તેથી આ સ્પષ્ટ સંકેત હતો કે મારે હવે એક અલગ રસ્તો અપનાવવો પડશે. મેં હજી સુધી કોઈ લક્ષ્ય નક્કી કર્યું નથી. મારે હમણાં તો આરામ કરવો છે. મારા માટે આ કરવું થોડું મુશ્કેલ હશે પરંતુ હું હવે આ કરવા માંગુ છું.
પિતાનો આરોપ, પુત્રનું અપમાન થયું
અશ્વિનના અચાનક નિવૃત્તિ બાદ તેનાં પિતાએ મોટો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેનું અપમાન થયું છે. તેનાં પિતા રવિચંદ્રને ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે અશ્વિનની નિવૃત્તિ તેનાં માટે પણ આશ્ચર્યજનક હતી. તેમણે કહ્યું કે મને પણ છેલ્લી ઘડીએ તેમની નિવૃત્તિ વિશે ખબર પડી હતી. તેનાં મનમાં શું ચાલી રહ્યું હતું તેની મને ખબર નહોતી. એક તરફ હું તેમની નિવૃત્તિથી ખુશ હતો, પરંતુ જે રીતે તેણે આમ કર્યું તેનાથી હું નાખુશ પણ છું. તેણે વધુ રમવું જોઈતું હતું.
તેણે કહ્યું, નિવૃત્તિ લેવાની તેની ઈચ્છા છે. હું આમાં દખલ ન કરી શકું. પરંતુ તેણે જે રીતે આમ કર્યું તેનાં ઘણા કારણો હોઈ શકે છે. તે માત્ર તે જ જાણે છે. અપમાન પણ થઈ શકે છે. સ્વાભાવિક રીતે આ ભાવનાત્મક ક્ષણ છે કારણ કે તે 14-15 વર્ષથી સતત રમી રહ્યો હતો. અચાનક નિવૃત્તિએ ઘણો બદલાવ કર્યો છે.
આ એક આંચકો છે અને અમે તેની અપેક્ષા રાખી રહ્યાં હતાં કારણ કે તેનું અપમાન થઈ રહ્યું હતું. તે ક્યાં સુધી વસ્તુઓ સહન કરી શકે છે ? કદાચ આ જ કારણે તેણે આ નિર્ણય લીધો છે.
પિતા મીડિયા પ્રશિક્ષિત નથી, તેમને માફ કરજો
અશ્વિને તેનાં પિતાની ટિપ્પણી પર કોઈ ધ્યાન આપ્યું ન હતું અને તેનાં માટે મીડિયા તાલીમના અભાવને જવાબદાર ગણાવ્યો હતો. નિવેદન વાયરલ થયાં પછી, તેણે કટાક્ષ કર્યો કે, “મારા પિતા મીડિયા પ્રશિક્ષિત નથી.” તેમણે તેના પિતાને પુછયું કે આ બધું શું હતું ?, તેમણે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તમે આવા નિવેદનો આપશો. અશ્વિને તમને માફ કરવા વિનંતી કરી છે.