Ahmedabad,તા.8
શહેરના એસજી હાઇવે પર આવેલા સુપ્રસિધ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇન વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી તેણે પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે અને યુવતી આજે હાઇકોર્ટ સમક્ષ હાજર થઈ હતી અને તેણીએ નિવેદન આપ્યું હતી કે તેના પતિ સાથે જ જવા માંગે છે. જેથી હાઇકોર્ટે યુવતીની ઇચ્છા મુજબ તેના પતિ સાથે મોકલી આપવા હુકમ કર્યો હતો.
કેસની વિગતો મુજબ પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મીમેન પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી હેબીયર્સ કોર્પસ અરજી કરી હતી. તેની સુનાવણીમાં આજે પોલીસે યુવતીને હાઇકોર્ટ સમક્ષ હાજર કરી હતી.
જે દરમ્યાન યુવતીએ હાઇકોર્ટ દ્વારા કરેલી પૂછપરછ દરમ્યાન અદાલતને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેણે પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે અને તે તેના પતિ સાથે જ જવા માંગે છે. જેથી હાઇકોર્ટે યુવતીની ઇચ્છા મુજબ તેના પતિ સાથે મોકલી આપવા હુકમ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અરજદાર નિવૃત્ત આર્મીમેન પિતા દ્વારા કરાયેલી હેબીયર્સ કોર્પસમાં આક્ષેપ કરાયા હતા કે, એસજી હાઇવે પર આવેલા સુપ્રસિધ્ધ ઇસ્કોન મંદિરમાં તેમની પુત્રી દર્શન અને પૂજા-ભકિત માટે નિયમિત રીતે જતી હતી. તે દરમ્યાન તેણી ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓના સંપર્કમાં આવી હતી.
ઇસ્કોન મંદિરના ઉપરોકત પૂજારીઓએ અરજદારની પુત્રીનું સંપૂર્ણપણે બ્રેઇન વોશ કરી દીધુ હતુ અને તેઓના પ્રભાવમાં લઇ લીધી હતી. જેને પગલે ગત તા.27-6-2024ના રોજ અરજદારની પુત્રી ઘરેથી 23 તોલા સોનુ અને રૃ.3.62 લાખ રોકડા લઇ મંદિરના એક પૂજારી સાથે ભાગી ગઇ હતી.
તેમની પુત્રી મંદિરના પૂજારીઓની ગેરકાયદે કસ્ટડી અને કેદમાં જ છે અને તેઓ દ્વારા તેમની પુત્રીને નિયમિત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાઇ રહ્યો છે. જેના કારણે તેણીના જીવનુ જોખમ બન્યું છે.
પોલીસ તપાસમાં એ વાત સામે આવી હતી કે, અરજદારની પુત્રી ઘરેથી ભાગીને ઇસ્કોન મંદિરના અનુયાયી સાથે લગ્ન કરીને ઉત્તરપ્રદેશમાં રહેતી હતી. દરમ્યાન પોલીસે યુવતીને હાઇકોર્ટ સમક્ષ હાજર કરતાં યુવતીએ અદાલતને જણાવ્યું કે, તે પોતાની મરજીથી જ ઘરેથી ભાગી હતી અને તેણી પુખ્તવયની છે. મારી પર કોઇનું દબાણ નથી અને મેં મારી મરજીથી જ લગ્ન કરી લીધા છે.
તે તેના માતા-પિતા સાથે પરત જવા માંગતી નથી. યુવતીએ તેના પતિના ઘેર ઉત્તરપ્રદેશ સુધી જવા પોલીસ સુરક્ષાની માંગ પણ કરી હતી. જેને પગલે હાઇકોર્ટે યુવતીને તેના પતિના ઘેર સુરક્ષિત રીતે પહોંચાડવા અંગે હુકમ કરી અરજદાર પિતાની રિટ અરજીનો નિકાલ કર્યો હતો.