Ahmedabad,તા.3
મણિનગર સ્થિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરનારા મેડિસિનના વિદ્યાર્થીએ તેને સસ્પેન્ડ કરવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જે કેસની સુનાવણીમાં જસ્ટિસ નિર્ઝર દેસાઈએ અત્યંત આકરું વલણ અપનાવ્યું હતું અને કોલેજોમાં રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ જ નહીં, પરંતુ તબીબી વ્યવસાયમાંથી કાયમ માટે કાઢી મૂકવા જોઈએ એવી ટકોર કરી હતી.
કોર્ટે કહ્યું હતું કે, ડોક્ટરોમાં લોકો ભગવાનને જુએ છે, ત્યારે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના જુનિયરોનું રેગિંગ કરતા હોય તો તેઓ કઈ દર્દીઓની સારવાર કરશે.
હાઈકોર્ટે એક તબક્કે અરજદાર વિદ્યાર્થીને 10 લાખનો દંડ કરવાની ચીમકી આપી હતી, ત્યારબાદ જો અરજી ચલાવવી હોય તો પાંચ લાખ ભરવાનું કહ્યું હતું, પરંતુ વિદ્યાર્થીએ એક લાખ ભરવાની તૈયારી દર્શાવતાં જસ્ટિસ દેસાઈએ નારાજગી દર્શાવી હતી. દરમિયાન વિદ્યાર્થીનું કૃત્ય ફરિયાદમાં સ્પષ્ટ રીતે સામે આવતા કોર્ટે ભારે ફટકાર લગાવતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.
આ મામલે ફાઈનલ યર મેડિસિનના સ્ટુડન્ટ ડો. વ્રજેશ વાઘાણી અને અન્યો સામે રેગિંગનો આક્ષેપનો મામલો હાઈકોર્ટ સમક્ષ આવ્યો ત્યારે ડો. વાઘાણીએ હાઈકોર્ટ સમક્ષ તેમને સસ્પેન્ડ કરવાના આદેશને રદ કરવા રિટ કરી હતી અને એમાં રજૂઆત કરી હતી કે, અમે શું કર્યું છે અથવા અમારી સામે શું આરોપ છે. એના વિશે ઓથોરિટીએ અમને જણાવ્યું નથી, પરંતુ માત્ર એટલો જ મામલો છે કે, અરજદાર દ્વારા ફર્સ્ટ યરના જુનિયર વિદ્યાર્થીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, સિનિયર વિદ્યાર્થીને જુનિયર વિદ્યાર્થીઓનું અપમાન કરવાની સત્તા હોય છે? શું આના માટે તમારે ગર્વ લેવો જોઈએ? તમને તો દૂર કરવા કરતા પણ કડક સજા થવી જોઈએ. કોલેજમાં સલામત વાતાવરણ ઊભું કરવા માટે રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને દૂર જ કરી દેવા જોઈએ.
તમારી વિરુદ્ધ કમિટીએ યોગ્ય નિર્ણય લીધો છે. તમે કોર્ટ સમક્ષ તમારી તરફેણમાં હોય એવા જ ડોક્યુમેન્ટ જ દર્શાવી રહ્યા છો, બાકી ડોક્યુમેન્ટ દર્શાવતા નથી. તમે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી છો. આ પ્રકારનું વર્તન હોય તો તમને જે ડિગ્રી મળે એ પણ પાછી લઈ લેવી જોઈએ. જો તમારું માઈન્ડ સેટ આવું હોય તો તમે કઈ રીતે દર્દીઓની સારવાર કે સેવા કરશો?
કોર્ટે ટકોર કરી હતી કે, તમે MBBS સફળતાપૂર્વક કર્યું છે અને હવે મેડિસિનનો પોસ્ટ ગ્રેજયુએશનનો કોર્સ કરી રહ્યા છો. તમે ઉચ્ચ અભ્યાસ કરેલો છે અને તેમ છતાંય એવું કહી રહ્યા છો કે તમારી સામે જે ફરિયાદ છે એની કોપી તમે માત્ર મૌખિક રીતે માગી હતી. તમે લેખિતમાં કંઈ માગ્યું જ નહોતું.
આ મામલે જો કોર્ટ નોટિસ પાઠવશે અને એવું સામે આવશે કે તમે કંઈ છૂપાવ્યું છે તો અમે રૂ. 10 લાખનો દંડ ફટકારીશું. જો તમે પાંચ લાખ જમા કરાવવા તૈયાર હો તો કોર્ટ નોટિસ ઈસ્યૂ કરવા તૈયાર છે. શું તમે પાંચ લાખ રૂપિયા ભરવા તૈયાર છો?
જો તમારી પિટિશન સફળ થશે તો પાંચ લાખ પરત મળશે, નિષ્ફળ જશો તો પાંચ લાખ લીગલ ઓથોરિટીમાં જતા રહેશે. રેગિંગ કરવાના શું પરિણામો હોય છે એ દરેકે જાણવું જ પડશે.
ત્યારબાદ અરજદાર વિદ્યાર્થી તરફથી જરૂરી માહિતી લઈને રજૂ કરવાની વિનંતી કરવામાં આવી હતી. થોડા સમય બાદ પરત કોર્ટ સમક્ષ અરજદારના એડવોકેટ આવતા હાઈકોર્ટે તેમની સામેની ફરિયાદને ટાંકતા કહ્યું હતું કે, તમે લેડી ડોક્ટરને શારીરિક રીતે એબ્યુઝ કરી છે, જાનથી મારવાની ધમકી, સ્ત્રીના સન્માનનો ભંગ, અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે.
આવા ગુના માટે તમને બે વર્ષ માટે જે ટર્મિનેટ કરવામાં આવ્યા છે, એ તો અત્યંત ઓછું છે. તમને તો હંમેશા માટે ડોક્ટરના વ્યવસાયમાંથી જ દૂર કરી દેવા જોઈએ.
પછીથી હાઈકોર્ટે માત્ર પાંચ મિનિટમાં જે માહિતી લેવી હોય એ લઈને રજૂ કરવાનું કહ્યું હતું. એ પછી અરજદાર વિદ્યાર્થી તરફથી એક લાખ રૂપિયા ભરવાની તૈયારી દર્શાવાઈ હતી, પરંતુ હાઈકોર્ટે એનો સ્વીકાર કર્યો નહોતો.
કહ્યું હતું કે, તમારા વર્તનની તમારે ભારે કિંમત ચૂકવવી જ પડશે અને એ સમજવું પડશે કે તમે સિનિયર વિદ્યાર્થી છો ત્યારે આવું વર્તન ચલાવી લેવાય નહીં. કોર્ટ તમારી સાથે ભાવ- તાલ કરવા બેઠી નથી.
હાઈકોર્ટનું અત્યંત આકરું વલણ જોતાં અરજદાર વિદ્યાર્થીએ રિટ પરત ખેંચી લેવાની રજૂઆત કરી હતી. જેની નોંધ લઈ હાઈકોર્ટે રિટ ફગાવી દેતા અરજી પરત ખેંચી લેવાની મંજૂરી આપી હતી.