Ahmedabad,તા.17
દેશમાં હવે એફોર્ડેબલ હાઉસીંગ નહી પણ લકઝરી મોંઘા આવાસોનો નવો ક્રેઝ શરૂ થયો છે અને તેનું સીધું પ્રતિબિંબ હાઉસીંગ લોનના છેલ્લા જાહેર થયેલા આંકડા પરથી જોવા મળે છે. ગુજરાતમાં હાઉસીંગ ફાયનાન્સ માર્કેટમાં આ અંગે એક નવી પેટર્ન જોવા મળી રહી છે.
હાઉસીંગ લોન લેનારનું ચલણ ઘટયું છે પણ લોનની રકમ વધી છે એટલે કે એક તરફ આવાસો મોંઘા થયા છે અને તેની એક વર્ગ માટે ઘરનું ઘર ફરી ‘સ્વપ્ન’ બનવા લાગ્યુ છે તો બીજી તરફ જેઓની કમાણી વધી છે તેઓ મોંઘા આવાસો અને તે રીતે વધુ રકમની હાઉસીંગ લોન લેવા લાગ્યા છે.
રાજય સ્તરની બેન્કીંગ કમીટીના આંકડાઓ પરથી એ માહિતી બહાર આવી છે કે જુલાઈ-સપ્ટેમ્બર કવાટરમાં વર્ષના ત્રણ માસમાં હાઉસીંગ લોન લેનારનું પ્રમાણ અગાઉના ત્રણ માસ 1.58 લાખની સામે આ વર્ષે 95532 રહ્યું છે.
આમ લોન લેનાર ઘટયા છે પરંતુ કુલ ચૂકવાયેલ લોનની રકમ 32% વધી છે અને પ્રતિ ગ્રાહક લોન જે અગાઉ રૂા.6.82 લાખ હતી તેમાં 118%નો વધારો થયો છે અને રૂા.14.93 લાખ નોંધાઈ છે. આમ આવાસ મોંઘા બન્યા છે અને લકઝરી આવાસ પ્રત્યેનું લોકોનું આકર્ષણ વધ્યુ છે. આ આંકડા એ પણ દર્શાવે છે કે એક વિશાળ વર્ગને પોસાય શકે તેવા મધ્યમ કિંમતના આવાસો હવે ઉપલબ્ધ નથી અથવા ઓછા છે.
મોંઘા આવાસ ખરીદવાની આ વર્ગની ક્ષમતા નથી તેથી તેઓ માટે ઘરનું ઘર શકય બનતુ નથી. આ ઉપરાંત જે અન-ઈવન એટલે કે એક સમાન આર્થિક વિકાસ થતો નથી તે પણ નિશ્ચિત બની રહ્યું છે. જૂનથી ઓગષ્ટના કવાટરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી.
હાલ હાઉસીંગ ક્ષેત્રમાં માંગ પણ ધીમી છે તેની અસર પણ આ લોન આંકડાઓ પર પડી છે. જો કે લકઝરી આવાસો બની રહ્યા છે અને તેમાં ગુજરાતના મહાનગરોમાં તે ચિત્ર જોવા મળે છે.
હજુ રાજયના હાઉસીંગ ક્ષેત્રમાં નવી જંત્રી જે અમલમાં આવી રહી છે તેની અસર બાકી છે. જો કે આ જંગી શેડયુલ 2023થી અમલી બની જ ગઈ છે પણ જે રીતે અસમજતા જોવા મળી છે તેની સામે રીયલ એસ્ટેટ ઉદ્યોગોએ જે વિરોધ કર્યા છે તે કેટલો અસરકારક હશે તે પણ પ્રશ્ર્ન છે.