New Delhi,તા.29
બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રા સવારે કોંગ્રેસના નેતા મોહમ્મદ નૌશાદે યોજેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના સ્વ.માતાને અપશબ્દો કહેનાર રફીક ઉર્ફે રાજયની પોલીસે ધરપકડ કરી છે. બિહાર પોલીસે આ અંગે વાયરલ થયેલા વિડીયોના આધારે રફીકને ઝડપી લીધા છે. દરભંગાના સીમરી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ સામે અપરાધ નોંધાયો હતો.
આ આ ઘટના પર આયોજક કોંગ્રેસના નેતાએ તો માફી માંગી લીધી હતી. આ સમય દરમ્યાન રફીકે જેના હાથમાં કોંગ્રેસનો ઝંડો હતો તેણે મોદી તથા સ્વ.હિરાબાને અત્યંત હલકી કક્ષાના અપશબ્દોથી સંબોધ્યા હતા. જેના જબરા પડઘા પડયા છે. બાદમાં પોલીસે એકશનમાં આવીને આ અપશબ્દો બોલનાર રફીકને ઝડપી લીધા છે. આ મુદે જબરુ રાજકારણ પણ શરૂ થયુ છે.
ખુદ ગૃહ મંત્રી અમીત શાહે ટવીટ કરીને કોંગ્રેસ તથા રાહુલ ગાંધીને નિશાન પર લીધા હતા તો ગુજરાત સહિતના રાજયોના મુખ્યમંત્રીઓએ પણ ટવીટ કરીને આ પ્રકારની ઘટનાને વખોડીને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી છે. ગઈકાલે આ અંગેનો વિડીયો વાયરલ થતા જ જબરુ રાજકીય ઘમાસાણ મચી ગયું હતું અને ભાજપે પત્રકાર પરિષદ યોજીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો જવાબ માંગ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ટવીટ કરીને શું કોંગ્રેસનું આ જ કલ્ચર છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો અને ભાજપના અનેક નેતાઓએ પણ આ અંગે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી કરી હતી. જયારે ભાજપના પ્રવકતા સંબીત પાત્રાએ પત્રકાર પરિષદ ભરીને કોંગ્રેસને અપશબ્દનું રાજકારણ રમવાનો આરોપ મુકીને રાહુલ ગાંધીને નવા મણીશંકર ઐય્યર ગણાવ્યા હતા.
જયારે ગુજરાતમાં પણ તેના પડઘા પડયા હતા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ટવીટ કરીને વડાપ્રધાન તથા તેના માતુશ્રી માટે જે શબ્દો બોલાયા હતા તેની ટીકા કરી હતી.