Mumbai,તા.20
૨૦૨૫માં વ્યાજ દરમાં ઘટાડાની ગતિ ધીમી રહેવાના અમેરિકન ફેડરલ રિઝર્વના સંકેત બાદ મુખ્ય ક્રિપ્ટો કરન્સી બિટકોઈન ૧,૦૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો, જો કે ઘટાડે લેવાલી નીકળતા ફરી ૧,૦૦,૦૦૦ ડોલરની ઉપર કવોટ થતો હતો. બિટકોઈન રિઝર્વ ઊભુ કરવાની ફેડરલ રિઝર્વને પરવાનગી નહીં હોવાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદનને કારણે પણ ક્રિપ્ટોસ ખેલાડીઓનું માનસ ખરડાયું હતું.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૯૮૮૬૮ ડોલર અને ઉપરમાં ૧૦૫૩૫૩ ડોલર રહી મોડી સાંજે ૧,૦૧,૬૯૦ ડોલર કવોટ થતો હતો.
બે દિવસની બેઠકના અંતે ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ વ્યાજ દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટ (પા ટકા)નો ઘટાડો કર્યો હતો અને ૨૦૨૫માં પા-પા ટકાના બે વખત ઘટાડાના સંકેત આપ્યા હતા. જ્યારે ૨૦૨૫માં એક ટકાના ઘટાડાની બજાર દ્વારા અપેક્ષા રખાતી હતી.
અમેરિકામાં વ્યાજ દર હવે ઘટી ૪.૨૫ થી ૪.૫૦ ટકાની રેન્જમાં આવી ગયો છે જે ડિસેમ્બર, ૨૦૨૨ની સપાટીને સમકક્ષ છે.
અમેરિકાના નિયુકત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચિત આર્થિક નીતિને કારણે ફુગાવો વધવાની શકયતાને ધ્યાનમાં રાખી ૨૦૨૫માં વ્યાજ દરમાં ઘટાડો ધીમો રહેવાના સંકેત આવી પડયા છે.
દરમિયાન બે દિવસની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પોવેલે જણાવ્યું હતું કે, ફેડરલને બિટકોઈન ભેગા કરવાની કોઈ મંજુરી નથી.
આ મુદ્દે કોંગ્રેસે વિચારવાનું રહે છે અને અહીં ફેડરલ ખાતે કાયદામાં ફેરબદલ કરવા અમે કોઈ ચકાસણી કરતા નથી, એમ પોવેલે ઉમેર્યું હતું.