પિતરાઈને ફોન કરવા જતાં મોબાઈલ પણ તોડી નાખ્યો : વચ્ચે પડનારને પણ માર માર્યો
Rajkot,તા.17
શહેરમાં ઉત્તરાયણ પર્વે આઠથી વધુ હુમલાના બનાવ સામે આવ્યા બાદ વધુ એક હુમલાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ઓમનગર વિસ્તારમાં સામું જોવા જેવી સામાન્ય બાબતમાં ચાર શખ્સોંએ ત્રણ યુવકો પર હુમલો કરી માર માર્યાની તેમજ મોબાઈલ ફોન તોડી નાખ્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
મામલામાં તાલુકા પોલીસમાં ક્રીશભાઇ બાબુભાઈ જોટાણીયા (ઉ.વ.૨૧ રહે. ૧૫૦ ફુટ રોડ, બાલાજી હોલ નજીક, ૪૦ ફુટ રોડ ઓમનગર, પ્રજાપતી સોસાયટી શેરી નં.પ) નામના યુવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વની સાંજે પાંચેક વાગ્યે હું તથા મારા મામાનો દીકરો અંકીત મારા મોટરસાયકલ પર મારા પતંગો લઈ અમારા ઘર તરફ જતા હતા. ત્યારે ઓમનગર રોડ ઉપર લાઇફલાઇન હોસ્પીટલ પાસે આવતા પાછળથી આવતા એક ડબલ સવારી એકટીવાનો ચાલક વારંવાર હૉર્ન વગાડતો હતો. જેથી મેં મોટરસાયકલ સાઈડમાં ઉભું રાખી દીધું હતું. બાદમાં એક્ટીવામાં આવેલ શખ્સોં મારી સામે આવી એક્ટીવામાંથી ઉતરી શું છે તારે અને સામે કેમ જોવે છે..? કહી ગાળો આપવા લાગેલ હતા. ગાળો આપવાની ના પાડતા એક શખ્સે જાપટ મારી દીધી હતી.
એક્ટીવાના ચાલકે મારા હાથમાથી મોબાઇલ ફોન લઈ જમીન ઉપર પછાડેલ અને આ ચારેય જણાએ મને ઢીકાપાટાનો મુંઢ માર મારેલ હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારા કૌટુંબિક ભાઈ રવી જોટાણીયા આવી જતાં તેણે મને વધુ મારથી બચાવવા છોડાવવા જતા તેઓ સાથે પણ આ ચારેયએ મારામારી કરી હતી. દરમ્યાન મારા ભાઈ શૈલેશભાઈ આવી જતા તેઓએ પોલીસ બોલાવતા અમને મારનાર લોકો તેના વાહનમા નાશી ગયેલા હતા. જે બાદ યુવાનને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કૌટુંબિક ભાઈ રવી હુમલાખોરો પૈકી બે શખ્સોંને ઓળખતા હોય એકનું નામ ધ્રુવ સુનીલભાઈ લાડવા તથા બીજાનું નામ પાર્થ રાઠોડ રહે બંન્ને ઓમનગર રાજકોટ વાળા હોવાનું જણાવેલ છે. જેના આધારે યુવકે તાલુકા પોલીસમાં આ બંને શખ્સોં તેમજ બે અજાણ્યા શખ્સોં વિરુદ્ધ હુમલો અને મોબાઈલ તોડી નાખવા સહીતની બાબતે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.