Surat, તા. ૧૪
રાજ્યભરમાં લાંબા સમય પછી SGST વિભાગની ટીમના દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં ચાલતી કોપરની ૧૪ પેઢી ઉપર ત્રાટકેલી ટીમને તપાસ દરમિયાન રૂ.૪૮ કરોડની કરચોરી મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં સુરતથી એક શખસને ઉઠાવી લેવામાં આવ્યો છે અને તેની પુછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, નવા વર્ષની શરૂઆતમાં જ સ્ટેટ જીએસટી વિભાગ ફરી સક્રિય બન્યું છે અને કરચોરો ઉપર વ્યાપક દરોડાનો દૌર શરૂ કર્યો છે. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ શાખાને મળેલ માહિતી તથા આનુસાંગીક સંશોધનને આધારે કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગર ખાતે આવેલ ૧૪ કોપરની પેઢીઓને ત્યાં ગત તા.૧૧થી સ્થળ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે આવી પેઢીઓ દ્વારા કોપરની બોગસ ખરીદીઓ દર્શાવી મોટે પાયે ખોટી વેરા શાખ ભોગવી કરચોરી કરવામાં આવેલ છે. ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ-૧૩૨(૧) (સી) હેઠળ ગુનો બનતો હોઇ વિભાગ દ્વારા ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝમાં પેઢીના ભાગીદાર સંદીપ અનવર વિરાણીની સ્પષ્ટ સંડોવણી જણાતા સુરત ખાતેથી વધુ ઉંડાણપૂર્વકની તપાસ કરવા સારૂ ધરપકડ કરવામાં આવેલ છે.
આ પેઢી દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ કુલ ૧૯.૪૬ કરોડની ખોટી વેરા શાખ ભોગવવામાં આવેલ છે. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સુરતની કોર્ટ દ્વારા આરોપીને તા.૧૬-૧૧ની બપોર સુધીના રીમાન્ડ મંજુર કરેલ છે. તપાસ દરમ્યાન ૪ પેઢીઓ બોગસ જણાઇ આવેલ છે. કુલ રૂા. ૪૮ કરોડથી વધુની કરચોરી ઉજાગર થયેલ છે. સરકારી વેરાના હિતમાં રૂા.૧.૯૦ કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવેલ છે તથા રૂા.૨૨.૯૮ કરોડની રકમનું એટેચમેન્ટ કરેલ છે. તપાસની કાર્યવાહીને અંતે ઘટીત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.