Gandhinagar, તા.17
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અને સામાજિક ન્યાય અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી 161 સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ 16,597 વિદ્યાર્થીઓની યુ-ટયુબ દ્વારા ઓનલાઈન મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. આજે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એમાં નવા સત્રમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડની યાદી જાહેર કરવામાં આવી છે.
આ મેરીટ યાદીમાં અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળ 80 છાત્રાલયોના 2,231 કુમાર અને 1,671 કન્યા મળીને કુલ 3,902 વિદ્યાર્થીઓ, વિકસતી જાતિ કલ્યાણ હેઠળ 58 છાત્રાલયોના 1,855 કુમાર અને 965 કન્યા મળીને કુલ 2,820 વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત સમરસ છાત્રાલય સોસાયટી હેઠળના 23 છાત્રાલયોના 5,322 કુમાર અને 4,553 કન્યા મળીને 9,875 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજોનું વેરિફિકેશન કરી વર્ષ 2025-26 માટે છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે. આજે મેરીટ યાદીમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને મોબાઈલમાં જખજથી જાણકારી આપવામાં આવે છે.
આ છાત્રાલયોમાં ધો-11 થી લઈ પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ અને સગવડો સાથે પ્રવેશ આપવામાં આવે છે.