Gandhinagar,તા.17
ગુજરાતને ઉત્પાદન ક્ષેત્રે અનેક ઉદ્યોગોમાં ‘હબ’ બનાવ્યા બાદ રાજય સરકારે હવે સર્વિસ સેકટરમાં પણ રાજયમાં ઉદ્યોગોને નવી તક મળે તથા રોજગારી પણ સર્જાય તે રીતે ઔદ્યોગીક કમીશ્નરેટની માફક સર્વિસ કમીશ્નરેટની પણ રચના કરવા નિર્ણય લીધો છે અને રાજયના બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે.
ઉત્પાદન ક્ષેત્રે કમીશ્નરેટની કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે જેના કારણે વિવિધ ક્ષેત્રની ઉત્પાદન કંપનીમાં ગુજરાતમાં આવી છે તો સર્વિસ ક્ષેત્ર જે દેશમાં નિકાસમાં પણ મહત્વનો ફાળો આપી રહ્યું છે. તેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ જેવા રાજયો આગળ છે.
ગુજરાતની જીડીપીમાં સર્વિસ સેકટરનો ફાળો 32.4% છે અને તે વધારીને 54% લઈ જવા સરકારનું આયોજન છે. આ માટે રાજય સરકાર અને તેના નાણા વિભાગે સર્વિસ કમિશ્નરેટનું માળખુ તૈયાર કરવા માટે જરૂરી મંજુરી આપી દીધી છે.
જો કે રાજય સરકાર કોવિડ કાળથી આ વિચારણા કરી રહી હતી. ખાસ કરીને સર્વિસ ક્ષેત્ર એ રોજગારી સર્જનનું નવું મહત્વનું માધ્યમ બની ગયુ છે પણ રાજયમાં સર્વિસ ક્ષેત્રને માટે ઓછા પ્રોત્સાહન કે ખાસ યોજનાઓ છે.
ગુજરાત એક ઉત્પાદન રાજય હોવાથી સર્વિસ ક્ષેત્ર માટે પણ વિશાળ તક છે. આમ બન્ને મળીને ગુજરાતમાં રોજગાર સર્જનમાં નવા રેકોર્ડ બનાવી શકે છે. આઈટી, ટુરીઝમ, શિક્ષણ, આરોગ્ય, રીયલ એસ્ટેટ રીટેલ સહિતના ક્ષેત્રમાં સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ મહત્વનું યોગદાન આપી રહી છે પણ ઉત્પાદન ક્ષેત્રની સરખામણીમાં ગુજરાતમાં સર્વિસ ક્ષેત્રનો વિકાસ ખૂબ જ ઓછો થયો છે તે ખોટ હવે પુરાશે.