Ahmedabad,તા.4
અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં લગ્ન બાબતે દીકરા એ માતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કેનેડામાં છ વર્ષ રહીને હજુ 2024માં જ ઈન્ડિયા પાછા આવેલા અમદાવાદના એક યુવકે સગી માતાની હત્યા કરી છે.
ઘાટલોડિયામાં બનેલા આ કિસ્સામાં પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે, આરોપીનું નામ વ્રજ કોન્ટ્રાક્ટર છે અને તેની ઉંમર 31 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
વ્રજ કોન્ટ્રાક્ટરે કેનેડામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને ત્યાં તે પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. જોકે, ગયા વર્ષે તેને ઈન્ડિયા પાછા આવવું પડયું હતું અને ત્યારથી જ તે પોતાના લગ્ન કેમ નથી કરાવતા તે બાબતે ઝઘડો કરતો હતો. ભારત પાછા આવ્યા બાદ કોઈ કામધંધો ના કરતો વ્રજ કોન્ટ્રાક્ટર અવારનવાર તેની માતાની સાથે બહેનને પણ માર મારતો હતો.
સપ્ટેમ્બર 02ના રોજ રાતે સાડા આઠ વાગ્યાની આસપાસ તેણે ફરી તેની માતા સાથે પોતાના લગ્ન બાબતે જ ઝઘડો કર્યો હતો અને આ દરમિયાન આવેશમાં આવી તેમના પર હુમલો કરી દેતા માતા પારૂલબેન કોન્ટ્રાક્ટર ઘરમાં જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ત્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા.