Rajkot,તા.17
લોધિકા પંથકમાં કાર હડફેટે સ્કૂટર ચાલકનું મોત નિપજતા નોંધાયેલા સાપરાધ મનુષ્યવધના ગુનામાં આરોપીએ બિનતહોમત છૂટવા કરેલી ડીસ્ચાર્જ અરજી ગોંડલ કોર્ટે નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ લોધિકાના ખાંભા ગામે રહેતા જયપાલસિંહ મનહરસિંહ જાડેજા પોતાનું સ્કૂટર લઈને ઉર્જા ઈન્ડસ્ટ્રીઝના ગેઈટ તરફથી ઘરે જતા હતા ત્યારે લોધિકાના પાળ પીપળીયા ખાતે રહેતા જયરાજસિંહ જયુભા જાડેજાએ પોતાની કાર પુર ઝડપે ચલાવી જયપાલસિંહ જાડેજાના સ્કૂટરને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જયપાલસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ ભગીરથસિંહ મનહરસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. તપાસનીશ અધિકારી દ્વારા તપાસ દરમ્યાન આ કેસ સામાન્ય અકસ્માત નહિ હોવાનું જણાતા કલમ-૩૦૪નો ઉમેરો કરવામાં આવ્યો હતો અને તપાસના અંતે ગોંડલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
આરોપી જયરાજસિંહ જાડેજાએ ગોંડલ સેસન્સ કોર્ટ સમક્ષ સાપરાધ મનુષ્યવધના કેસમાંથી બિનતહોમત છૂટવા ડીસ્ચાર્જ અરજી કરી હતી. જે અરજી સામે ફરિયાદીના વકીલ દ્વારા લેખિત વાંધાઓ રજૂ કરી સુપ્રીમ કોર્ટ તેમજ અલગ અલગ હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકયા હતા. સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી રજુઆતો ધ્યાને લઇ ગોંડલના અધિક સેશન્સ જજ એચ.એ. ત્રિવેદી દ્વારા સાપરાધ મનુષ્યવધના કેસમાં આરોપીએ કેસમાંથી બિનતહોમત છૂટવા કરેલી ડીસ્ચાર્જ અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં મૂળ ફરિયાદી વતી રાજકોટના એડવોકેટ રાજન કોટેચા, કૃણાલ કોટેચા, રવિરાજ ઠકરાર, વારીસ જુણેજા, ડેનિશા પટેલ, જય વણઝારા, સહાયક તરીકે સંજય કાટોડીયા અને સરકાર પક્ષે ગોંડલના એજીપી જે.ડી. ચાવડા રોકાયા હતા.