New Delhi,તા.17
‘વન નેશન વન ઇલેક્શન’ બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે, જેમાં લોકસભા, રાજ્ય વિધાનસભા અને નાગરિક ચૂંટણીઓ એકસાથે કરાવવાનો પ્રસ્તાવ છે. આ બિલને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપે પોતાનાં સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે, જ્યારે કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે.
‘વન નેશન વન ઈલેક્શન’ બિલ આજે લોકસભામાં રજૂ થવા જઈ રહ્યું છે, જેનાં માટે સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ લોકસભામાં બિલ રજૂ કરશે, અને પછી આ મુદ્દાને ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રયાસ કરશે.
ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમનાં સાંસદોને વ્હિપ જારી કર્યા છે, જેનાં કારણે સંસદમાં આ મુદ્દે હોબાળો થઈ શકે છે. આ બિલનો હેતુ લોકસભા, રાજ્ય વિધાનસભા અને નાગરિક ચૂંટણીઓ એકસાથે કરાવવાનો છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં સુમેળ સ્થાપિત થઈ શકે.
આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે યોજાય તે સુનિશ્ચિત કરવાનો છે. હાલમાં આ ચૂંટણીઓ જુદા જુદા સમયે યોજાય છે, જે ચૂંટણી પ્રક્રિયા અને ખર્ચ પર વધુ દબાણ લાવે છે. આ ફેરફારથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે અને સમય બચશે તેવી અપેક્ષા છે. સરકાર માને છે કે આનાથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાનતા આવશે.
સરકારે 2023 માં વન નેશન વન ઈલેક્શન માટે એક કમિટીની રચના કરી હતી, જેનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરી રહ્યાં હતાં. આ સમિતિએ 7 દેશોનાં ચૂંટણી મોડલનો અભ્યાસ કર્યો હતો અને ભારતમાં તેને લાગું કરવા માટે 5 મુખ્ય ભલામણો કરી હતી. જેમાં બે તબક્કામાં ચૂંટણી યોજવા, રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ 2029 સુધી લંબાવવા અને એક જ મતદાર યાદી તૈયાર કરવાની ભલામણોનો સમાવેશ થાય છે.
આ બિલ પર ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલી શકાય છે, જ્યાં વિવિધ પક્ષોનાં મંતવ્યો સાંભળવામાં આવશે. જો આ બિલને સંસદ દ્વારા મંજૂર કરવામાં આવે તો તે ભારતીય ચૂંટણી પ્રણાલીમાં ઐતિહાસિક પરિવર્તન સાબિત થઈ શકે છે. જો કે, તેનો વિરોધ કરી રહેલાં પક્ષો આ પરિવર્તનને લોકતાંત્રિક પ્રક્રિયાઓ માટે જોખમ તરીકે જોઈ રહ્યાં છે.
સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન
વન નેશન વન ઈલેક્શન બિલને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે સ્પષ્ટ મતભેદો છે. જ્યારે ભાજપ તેને ચૂંટણી પ્રક્રિયાને સરળ અને ઓછી ખર્ચાળ બનાવવાના માર્ગ તરીકે જુએ છે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યાં છે.
કોંગ્રેસનું કહેવું છે કે આ પગલું સંઘીય માળખા અને સંસદીય લોકશાહીનાં સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કોંગ્રેસનાં નેતાઓ આને બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર માને છે, જે રાજ્યની સ્વાયત્તતાને નબળી બનાવી શકે છે.

