પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, “મને આ સન્માન આપવા માટે અને જે રીતે આપે મને પ્રેમ આપ્યો છે, તેના માટે આભાર
Wayanadતા.૨૩
કેરલની વાયનાડ લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની જીત ફિક્સ થઈ ગઈ છે. અત્યાર સુધીના પરિણામો જોતા પ્રિયંકા ગાંધી આ સીટ પર રેકોર્ડ મતોથી જીતવા જઈ રહ્યા છે. પ્રિયંકા પોતાના નજીકના હરીફ કોમ્યુનિસ્ટ ઓફ ઈન્ડિયાના સત્યેન મોકેરીથી ૪ લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. જો આ અંતર આવી જ રીતે રહેશે તો તેઓ રાહુલ ગાંધીના ૩.૬૫ લાખ વોટના માર્જિનને પાછળ રાખી દેશે. આ સીટ પર ભાજપની નવ્યા હરિદાસ ત્રીજા નંબરે રહી છે. આ વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરલની વાયનાડ સીટથી ચૂંટણી લડી હતી અને બંને સીટો પર જીત મેળવી હતી. જોકે બાદમાં તેમણે લોકસભામાં રાયબરેલી સીટથી પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. રાહુલના આ નિર્ણય બાદ વાયનાડની સીટ ખાલી થઈ ગઈ હતી, જેના પર ૧૩ નવેમ્બરના રોજ પેટાચૂંટણી થઈ હતી.
વાયનાડમાં મોટી જીત તરફ આગળ વધી રહેલી પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા વાયનાડની જનતા, પાર્ટી કાર્યકર્તા અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એક્સ પર લખેલા મેસેજમાં કહ્યું કે, “વાયનાડના મારી વ્હાલી બહેનો અને ભાઈઓ, તમે મારા પર જે વિશ્વાસ મુક્યો છે, તેના માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. હું એ ખાતરી આપું છું કે, તમે એવું અનુભવશો કે આ જીત આપની જીત છે અને જે વ્યક્તિને આપે આપનો પ્રતિનિધિ ચૂંટ્યો છે, તે આપની આશાઓ અને સપનાઓને સમજે છે અને આપના માટે લડે છે. હું સંસદમાં આપનો અવાજ બનવા માટે ઉત્સુક છું.”
પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, “મને આ સન્માન આપવા માટે અને જે રીતે આપે મને પ્રેમ આપ્યો છે, તેના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.” તેમણે પાર્ટી કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “યૂડીએફમાં મારા સહકર્મી, કેરલના નેતા, કાર્યકર્તા, સ્વયંસેવકો અને મારા કાર્યાલયના સહયોગી, જેમણે આ અભિયાનમાં અવિશ્વસનિય રીતે ખૂબ મહેનત કરી, દિવસમાં ૧૨ કલાક સતત કામ કર્યું, અને જેમણે મારા પર વિશ્વાસ મુક્યો, આ તમામનો ખૂબ ખૂબ આભાર.”
પ્રિયંકા ગાંધીએ પોતાના પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે, “મારી મા, રોબર્ટ અને મારા બંને બાળકો રેહાન અને મિરાયા. તમે મને જે પ્રેમ અને સાહસ આપ્યું છે, તેના માટે આપ સૌનો આભાર.” તેમણે કહ્યું હતું કે, “મારો ભાઈ રાહુલ, તમે ખૂબ જ બહાદુર છો, મને રસ્તો બતાવ્યો અને હંમેશા મારો સાથ આપવા માટે ધન્યવાદ.”
ચૂંટણી પંચ તરફથી આવેલા આંકડા અનુસાર, પ્રિયંકા ગાંધીએ ૬૨૨૩૩૮ મત મેળવી લીધા છે. જ્યારે બીજા નંબર પર રહેલા લોકતાંત્રિક મોરચાના સત્યેન મોકેરીને ૨૧૧૪૦૭ વોટ મળ્યા, પ્રિયંકાએ અત્યાર સુધીમાં ૪૧૦૯૩૧ વોટની લીડ બનાવી છે. ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસ ત્રીજા નંબર પર છે અને તેમને ફક્ત ૧૦૯૯૩૯ વોટ મળ્યા છે.