New Delhi,તા,19
રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણને રોકવા માટેનાં પગલાં લાગું કરવાની માંગ કરતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે પૂછયું કે રાજધાની દિલ્હીમાં ગ્રેપ 4 લાગું કરવામાં આટલો વિલંબ કેમ થયો ?
જસ્ટિસ એ.એસ. ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે સુનાવણી કરી હતી. કોર્ટે દિલ્હી સરકારને પૂછવ્યું કે શા માટે ગ્રેપ મિકેનિઝમ લાગું કરવામાં આવ્યું નથી. જેમ જેમ એક્યુઆઈ 401ને પાર કરે છે, ગ્રેપ 3 અમલમાં મૂકવુ જોઈતું હતું. તેનાં જવાબમાં દિલ્હી સરકારે કહ્યું કે અમે રાજધાનીમાં ગ્રેપ 4 લાગુ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેનાં આદેશ વિના ગ્રેપ 4 હટાવવામાં નહિ આવે પછી ભલે એર ક્વોલિટી ઈન્ડેક્સ 300 થી નીચે જાય. કોર્ટે દિલ્હી સરકારને આકરા સવાલો પૂછ્યા કે દિલ્હી સરકાર જણાવે કે ગ્રેપની ગાઈડલાઈન શું છે ? આ સમયે, ગ્રેપના અમલીકરણ પર કોણ દેખરેખ રાખી રહ્યું છે ? પ્રદૂષણ ઘટાડવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યાં છે ?
કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે જ્યારે 12 નવેમ્બરે રાજધાની દિલ્હીમાં એક્યુઆઈ 401ને પાર કરી ગયો હતો, તો પછી ગ્રેપ 4 લાગું કરવામાં આટલો વિલંબ કેમ થયો. દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, હાલમાં રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ તેનાં ખતરનાક સ્તરને પાર કરી રહ્યું છે.
રાજધાની દિલ્હીની સાથે સમગ્ર એનસીઆરમાં સતત વધી રહેલાં પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. પવનનાં કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વધતાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં આજે સવારે 8 વાગ્યાથી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો લાગું કરવામાં આવ્યો છે.
રવિવારે રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ હતી. દિલ્હીનાં કેટલાક વિસ્તારોનો એક્યુઆઈ 441 નોંધાયો હતો. આ પ્રદૂષણની સૌથી ગંભીર શ્રેણી માનવામાં આવે છે.
રાજધાની દિલ્હીને અડીને આવેલાં હરિયાણાનાં બહાદુરગઢ જિલ્લાનો એક્યુઆઈ પણ 445 નોંધાયો હતો. એર ક્વોલિટી ઇન્ડેક્સ એક એવો નંબર છે જેનાં દ્વારા હવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેનાં દ્વારા હવામાં પ્રદૂષણનું સ્તર પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે.
એક્યુઆઈ રીડિંગ્સના આધારે, હવાની ગુણવત્તાને છ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. જે મુજબ શૂન્યથી 50 વચ્ચેનો એક્યુઆઈ સારો માનવામાં આવે છે. 51 થી 100 ની વચ્ચે સંતોષકારક માનવામાં આવે છે.
101 થી 200 ને મધ્યમ, 201 થી 300 ને ખરાબ અને 301 થી 400 ને અત્યંત ખરાબ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. જો કોઈ શહેરનો એક્યુઆઈ 401 થી 500 ની વચ્ચે હોય તો તે ગંભીર શ્રેણીમાં આવે છે.