Mumbai,તા.24
ભારતનાં વીમા નિયમનકારે સોમવારે નોન-લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓનાં ટોચનાં અધિકારીઓ સાથેની બેઠકમાં ’મોટર ઓન ડેમેજ’ સેગમેન્ટમાં મોટર ઈન્સ્યોરન્સ સર્વિસ પ્રોવાઈડર્સને હાઈ કમિશન ચૂકવણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ડેટા રજૂ કર્યો છે જે દર્શાવે છે કે નવી કારની વીમા પોલિસીઓ માટે વીમા કંપનીઓ દ્વારા એમઆઇએસપીને ચૂકવવામાં આવતાં કમિશન 25 ટકા થી 57 ટકા સુધીનાં છે.
ભારતનાં ઓટોમોટિવ ઉદ્યોગે મોટર વીમાના વિકાસને વેગ આપ્યો છે. આ ક્ષેત્ર હવે સામાન્ય વીમા કંપનીઓનાં કુલ વ્યવસાયનાં 45 ટકા જેટલું છે. કાર ડીલરો હવે ગ્રાહકની ખરીદીમાં પ્રાથમિક મધ્યસ્થી તરીકે, મોટર વીમા માટે એક મહત્વપૂર્ણ વિતરણ ચેનલ બની ગયાં છે.
મીટિંગમાં હાજરી આપનારાં એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે નિયમનકાર ખાસ કરીને એમઆઇએસપીને અતિશય કમિશન ચૂકવણી વિશે ચિંતિત છે, જે ગ્રાહકો માટે મોટર વીમાની કિંમતને વધારા તરીકે જોવામાં આવે છે.
એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “આ ચૂકવણી ઘણીવાર ગ્રાહકો માટે ઊંચા પ્રિમીયમ તરફ દોરી જાય છે. અતિશય કમિશન પર લગામ લગાવીને આઇઆરડીએઆઇએ સુનિશ્ચિત કરવા માંગે છે કે ગ્રાહકો સુધી લાભ પહોંચાડવામાં આવે.
મીટિંગમાં, નિયમનકારે જણાવ્યું હતું કે વીમા સુગમ આ કમિશનના દરો ઘટાડી શકે છે અને પોલિસીધારકોને બચત કરવામાં મદદ કરી શકે છે. વીમા સુગમ એ વીમા પોલિસીઓ માટે એક વ્યાપક ડિજિટલ માર્કેટપ્લેસ છે. જે એપ્રિલ 2025 માં શરૂ થવાનું છે, આ પ્લેટફોર્મ એક ઈ-કોમર્સ હબ તરીકે સેવા આપશે જ્યાં ગ્રાહકો બહુવિધ વીમા કંપનીઓ પાસેથી પોતાની પસંદનો વીમો મેળવી શકે છે.
ભૂતકાળમાં, એમઆઇએસપી દ્વારા ગ્રાહકોને ઊચી કિંમતો પર ચોક્કસ વીમા પોલિસી ખરીદવા દબાણ કરવા અંગેની ફરિયાદો આવી હતી. કેટલાક કિસ્સાઓમાં, ડીલરોએ તેમનાં સંલગ્ન એમઆઇએસપી દ્વારા વીમો ન ખરીદે તો વાહન વેચાવાનો ઇનકાર પણ કર્યો હતો, જ્યારે ગ્રાહકોને કોઈપણ પ્રદાતા પાસેથી વીમો ખરીદવાનો અધિકાર છે.
2019 માં, આઇઆરડીએઆઇએ ગેરરીતિની ફરિયાદોને પગલે એમઆઇએસપીને માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે એમઆઇએસપી ગ્રાહકોને વિવિધ વીમા કંપનીઓ પાસેથી મોટર વીમા પોલિસીની પસંદગીની ઑફર કરવામાં નિષ્ફળ રહી હતી.જેનાં કારણે અમુક કંપનીઓ પર કડક કાર્યવાહી થઈ હતી.
નિયમનકારે મારુતિ ઈન્સ્યોરન્સ બ્રોકિંગને રૂ. 3 કરોડનો દંડ ફટકાર્યો હતો કારણ કે કંપની મારુતિ સાથે જોડાયેલી એમઆઈએસપીમાંથી વીમો ન ખરીદતાં પોલિસીધારકોના કેશલેસ ક્લેઈમ નકાર્યા હતાં. એ જ રીતે, નિયમનકારે હીરો ઈન્સ્યોરન્સ બ્રોકિંગ અને ટોયોટા ત્સુશો ઈન્સ્યોરન્સ બ્રોકરને એમઆઇએસપી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો હતો.