Botad,તા.26
બોટાદ ખાતે રહેતા મૂળ વિછિયા તાલુકાના ઓરી ગામના પ્રૌઢના મકાનમાં તોડફોડ કરી મકાન સળગાવી દેવાની ધમકી આપનાર બેલડી વિરુદ્ધ વિછિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જીવાભાઇ ઉર્ફે જીવણભાઇ આંબાભાઈ જમોડ નામના 58 વર્ષીય પ્રૌઢે વિછિયા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ હાલ બોટાદના જુના સ્વામીનારાયણ મંદિરની સામે રજપૂત ચોરા ખાતે રહે છે જયારે તેઓ મૂળ વિંછીયાના વતની છે. મારે સંતાનમા ત્રણ દિકરાઓ છે, જેમા સૌથી મોટો જેન્તીભાઇ આરોગ્ય વિભાગમા ઢાંક ગામ તા. ઉપલેટા ખાતે નોકરી કરે છે અને ઉપલેટા ખાતે જ રહે છે. તેની પત્ની મનિષાબેન, દિકરી મીરાબેન ઉ.વ. ૦૭, દિકરો હરીભાઇ જેની ઉ.વ. ૧૮ માસનો છે તે મારા ઓરી ગામે આવેલ મકાનમાં રહે છે. અન્ય એક પુત્ર સુરત અને એક પુત્ર બોટાદ ખાતે રહે છે. મારૂ મકાન વિછિયાના ઓરી ગામે આવેલ છે તે મકાનની બાજુમા મારા નાનાભાઈ મુકેશભાઇનુ મકાન આવેલ છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગત તા.૨૩/૧૨/૨૦૨૪ ના રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે મારા મોબાઇલ નંબરમા નાના ભાઈ મુકેશભાઇ આંબાભાઈ જમોડનો ફોન આવેલ હતો અને મને કહેલ કે પુત્રવધુ સહિતના લગ્નની ખરીદી કરવા બોટાદ આવેલ હોય અને તમારા બંધ મકાન પાસે રાત્રીના આશરે સવા આઠેક વાગ્યે આપણા ગામનો ગોપાલભાઇ ઉર્ફે ગોપી ધરમશીભાઈ શીયાળ (ગોહીલ) પોતાના હાથમા ધારીયું લઈને તથા તેની સાથે એક મોટા અવાજે બોલતો મીલન બાવળીયા તમને મારવા આવેલ છીએ તેવી રાડારાડી કરી રહ્યો છે. ગોપાલભાઇ ઉર્ફે ગોપીના હાથમા રહેલ ધારીયા વડે મકાનના લોંખડના દરવાજા પર ધારીયાના ઘા કરી દરવાજો ખોલી મકાનની અંદર મોટી બારીના કાચ તોડી નાખેલ હતા અને મકાનમા રાખેલ ફુલ છોડના કુંડા, મારબલ પથ્થર તોડી નાખેલ છે.
જે બાદ રાત્રીના સમયે મારા દિકરા જેન્તીભાઇનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે મારા મોબાઇલ ઉપર ગોપીનો ફોન આવેલ અને મને ફોનમાં કહેલ કે તું કે તારા પરીવારના કોઈપણ સભ્યો પોલીસ ફરીયાદ કરવા જશો તો તમારી સાથે અમારે માથાકૂટ થઇ જશે તેવી ધમકી આપી હતી. પુત્ર જેન્તી સાથે રૂપીયાની લેતી-દેતી મામલે મન દુઃખ રાખી ગોપાલભાઇ ઉર્ફે ગોપી ધરમશીભાઇ શીયાળ (ગોહીલ) મિલનભાઈ બાવળીયાએ તોડફોડ કરી મકાન સળગાવી નાખવાની ધમકી આપનાર બંને શખ્સો વિરુદ્ધ પ્રૌઢે ફરિયાદ દાખલ કરાવી છે.