Surendranagar,તા.06
સુરેન્દ્રનગર શહેરમાં મંડપ સર્વિસનો ધંધો કરતા વેપારીએ રૂા.૪.૫૦ લાખ સામે રૂા.૫.૫૦ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે. વ્યાજખોરે ૧૦ ટકા લેખે ચક્રવૃધ્ધિ વ્યાજ ગણી ૨૨ લાખની માંગણી કરી ઘરમાં તોડફોડ કરતા વેપારી એ-ડિવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
શહેરના જવાહર ગ્રાઉન્ડ પાસે સરદાર સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા યુવક વિશાલભાઈ મયુરભાઈ રાવલે વર્ષ ૨૦૨૦માં મિત્ર જય ઉર્ફે કાનો દિલીપભાઈ પોયલા (રહે.રામનગર, સુરેન્દ્રનગર) પાસેથી કટકે કટકે દવાખાનાના કામકાજ માટે જરૂરીયાત હોવાથી રૂા.૪.૫૦ લાખ હાથઉછીના લીધા હતા. ફરિયાદીએ ડિસેમ્બર-૨૦૨૧થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં કટકે કટકે કુલ રૂા.૫.૫૦ લાખ જેટલી રકમ રૂા.૪.૫૦ લાખના બદલામાં ચુકવી દીધી હતી. તેમ છતાં જયએ આ રકમનું ૧૦% લેખે ચક્રવૃધ્ધિ વ્યાજ ગણી છેલ્લા ઘણા સમયથી રૂા.૨૨ લાખની કડક અને પઠાણી ઉધરાણી કરતો હતો. તેમજ ઘરના સભ્યોને પણ ફોન કરી શારીરિક અને માનસીક ત્રાસ ગુજારતો હતો. જે દરમિયાન રાત્રીના સમયે ઘરે આવી લાકડાના ધોકા વડે ઘરનો મુખ્ય દરવાજાનો કાચ તોડી અંદાજે રૂા.૫૦,૦૦૦નું નુકસાન પહોંચાડયું હતું. તેમજ ફરિયાદીના માતા, પત્ની, ભાઈ અને ફરિયાદી સહિતના સભ્યો સાથે બોલાચાલી કરી ગાળો આપી વ્યાજની કડક ઉધરાણી કરી મારમારવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ જય ઉર્ફે કાનો દિલીપભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. અત્રે
ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા એક તરફ વ્યાજખોરીનું દુષણ નાબુદ કરવા અને વ્યાજખોરો સામે કડક પગલા ભરવા છેલ્લા ઘણા સમયથી લોકદરબારનું આયોજન કરવામાં આવે છે તેમ છતાંય સુરેન્દ્રનગર જીલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ઓછો થવાને બદલે વધી રહ્યો છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા યોજાતા લોકદરબારથી પ્રજાજનોને ખાસ ફાયદો ન થતો હોવાનું સામે આવ્યું છે.