Ahmedabad,તા.17
કેન્દ્ર સરકારનાં અહેવાલ મુજબ ગુજરાતમાં શહેરી પરિવાર વાર્ષિક રૂ. 7000 થી વધુનો ખર્ચ હોસ્પિટલમાં દાખલ થવા માટે કરે છે, જે ભારતનાં તમામ રાજ્યોમાં ચોથા ક્રમે છે.
નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ દ્વારા જુલાઈ 2022 થી જૂન 2023 દરમિયાન કરવામાં આવેલાં વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વેમાં બહાર આવ્યું છે કે ગુજરાતમાં શહેરી પરિવારો હોસ્પિટલમાં દાખલ થવા પાછળ વાર્ષિક સરેરાશ રૂ. 7711 ખર્ચ કરે છે. કેરળમાં શહેરી પરિવારો રૂ. 13140, નો ખર્ચ કરે છે જયારે મહારાષ્ટ્ર રૂ. 9122, અને પંજાબ રૂ. 8272 હોસ્પિટલમાં દાખલ થવા માટે ખર્ચે છે.
અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાતમાં ગ્રામીણ પરિવારો હોસ્પિટલમાં દાખલ થવા માટે 4071 નો ખર્ચ કરે છે જે નોંધપાત્ર રીતે ઓછો ખર્ચ છે અને દેશનાં તમામ રાજ્યોમાં 12 મા ક્રમે આવે છે
અહેવાલ એ પણ દર્શાવે છે કે શહેરી ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થવા પાછળ વ્યક્તિ દીઠ ખર્ચ રૂ. 2014 પ્રતિ વર્ષ હતો, જે દેશમાં છઠ્ઠા નંબરે સૌથી વધુ છે. ગ્રામીણ ગુજરાતમાં તે રૂ. 874 હતો, જે 12મા ક્રમે છે.
ગુજરાતની ગ્રામીણ વસ્તી તેમનાં શહેરી સમકક્ષો કરતાં 48 ટકા ઓછી ચૂકવણી કરે છે, અને માત્ર પાંચ રાજ્યો હરિયાણા, કર્ણાટક, ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ અને પંજાબમાં હોસ્પિટલમાં દાખલ ખર્ચ વધુ છે.
ગુજરાતનાં શહેરી વિસ્તારોમાં હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન ઘર દીઠ ખર્ચ વાર્ષિક રૂ. 5528 છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે રૂ. 3758 હતો. શહેરી ગુજરાતમાં વ્યક્તિ દીઠ ખર્ચ રૂ. 1444 છે, જ્યારે રાજ્યનાં ગ્રામીણ વિસ્તારોમાં વ્યક્તિ માટે તે રૂ. 807 છે.
► ગુજરાતમાં હેલ્થકેર ખર્ચનો અંદાજ
♣ શહેરી પરિવારો દ્વારા હોસ્પિટલમાં દાખલ થવા પાછળ થતાં વાર્ષિક ખર્ચની વાત કરવામાં આવે તો ભારતનાં તમામ રાજ્યોમાં ગુજરાત ચોથા ક્રમે છે
♣ વર્ષ દરમિયાન શહેરી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતાં વાર્ષિક ખર્ચમાં પણ રાજ્ય દેશમાં છઠ્ઠાં ક્રમે છે.
♣ સરેરાશ, શહેરી ગુજરાતમાં એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થવા પાછળ વાર્ષિક રૂ. 2014 ખર્ચે છે.
♣ ગુજરાતનાં શહેરી વિસ્તારોમાં વાર્ષિક સરેરાશ એક પરિવારમાંથી ચાર વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.
♣ ગ્રામીણ વિસ્તારોમાં એક પરિવારમાંથી લગભગ પાંચ વ્યક્તિઓને વાર્ષિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.
♣ ગ્રામીણ ગુજરાતમાં રહેતાં લોકો શહેરી વિસ્તારોની સરખામણીએ હોસ્પિટલમાં દાખલ થવા પાછળ દર વર્ષે 48 ટકા ઓછો ખર્ચ કરે છે.