Mumbai તા.10
મહેન્દ્રસિંહ ધોની જેને ફેન્સ પ્રેમથી કેપ્ટન કુલ અને થાલા કહે છે તેણે ફરી એક વાર સાબિત કર્યુ છે કે તેની લોકપ્રિયતાનો કોઈ મુકાબલો નથી. ક્રિકેટના મેદાન પર વિશ્વ કપ જીતાડનાર આ દિગ્ગજ ક્રિકેટરે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની દુનિયામાં પણ સુપર સ્ટાર શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનને પાછળ રાખી દીધા છે.
ટીએએમ મીડિયા રિસર્ચના રિપોર્ટ અનુસાર 2024ના પહેલા 6 મહિનામાં ધોનીએ 42 બ્રાન્ડ ડીલ્સ પર હસ્તાક્ષર કર્યા છે, જયારે અમિતાભ બચ્ચનના નામે 41 અને શાહરૂખ ખાનના નામે 34 કોન્ટ્રાકટ છ. હાલમાં જ ધોનીએ એક મોટી ટાયર કંપની સાથે મોટી ડીલ કરી છે.
અહેવાલો મુજબ એમએસ ધોનીની કુલ સંપત્તિ લગભગ 1040 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તેમની પાસે અનેક મોટી બ્રાન્ડના કોન્ટ્રાકટ છે આ ઉપરાંત તે અનેક જાણીતી બ્રાન્ડસનો એમ્બેસેડર પણ છે.
ધોની માત્ર બ્રાન્ડ ડીલ્સથી જ નહીં, પોતાના શાનદાર બાઈક અને કાર કલેકશનથી પણ જાણીતો છે. તેની ગાડીઓની લિસ્ટમાં ફેરારી, હંમર, જીપ ગ્રાન્ડ સામેલ છે. જયારે બાઈકસની વાત કરીએ તો તેની પાસે કોન્ફેડેરેટ હેલકેટ, યામાહા આરડી 350 જેવી શાનદાર મોટર સાયકલ છે.