અનુષ્કા-વિરાટના દીકરા ‘અકાય’ના નામનો અર્થ સમજવા લોકોએ ગૂગલની મદદ લીધી
મુંબઈ, તા.૧૩
ગૂગલે ૨૦૨૪ના વર્ષમાં સૌથી વધુ સર્ચ થયેલી વિવિધ કેટેગરીનું લિસ્ટ પ્રસિદ્ધ કર્યું છે. ગૂગલના આ ગ્લોબલ લિસ્ટમાં એક્ટર્સ કેટેગરીમાં ભારતની ત્રણ સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. ટોપ-૧૦ ગ્લોબલ સેલિબ્રિટીમાં કેટ વિલિમ્સ, એડમ બ્રોડી અને એલ્લા પુર્નેલની સાથે ભારતમાંથી હિના ખાન, નિમરત કૌર અને પવન કલ્યાણનો સમાવેશ થાય છે. એક્ટ્રેસ હિના ખાનને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. હિનાએ થોડા મહિના અગાઉ કેન્સરના નિદાન અંગે સોશિયલ મીડિયા પર ખુલીને વાત કરી હતી. તેણે ઈમોશનલ વીડિયો શેર કર્યા હતા. એટલું જ નહીં કીમોથેરાપી અને વાળ ઉતરાવ્યા પછીના ફોટો-વીડિયો મારફતે તેણે કેન્સરના દર્દીઓનો આત્મવિશ્વાસ વધારવા પ્રયાસ કર્યો હતો. હિનાએ કેન્સર સામે મક્કમ લડત આપવાનું એલાન કર્યું હતું અને સારવાર બાદ કામ પર પાછા ફરતી વખતે પણ હિનાએ સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કેન્સર સામે બાથ ભીડવાની હિનાની આ હિંમતના પગલે તેના વિષે જાણવામાં ઉત્સુકતા વધી હતી. નવોદિત એક્ટર્સની કેટગરીમાં આવતી નિમરત કૌર અચાનક અંગત કારણોસર ચર્ચામાં આવી ગઈ હતી. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે ડિવોર્સની અટકળો વચ્ચે નિમરતે ધ્યાન ખેંચ્યુ હતું. અભિષેક અને નિમરત વચ્ચે નિકટતા વધી રહી હોવાના રિપોટ્ર્સ વાઈરલ બન્યા હતા. જેના કારણે નિમરત કૌરની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિષે જાણવા લાખો લોકોએ ગૂગલ સર્ચની મદદ લીધી હતી. એક્ટરમાંથી નેતા બનેલા પવન કલ્યાણ હાલ આંધ્રપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી છે. પવન કલ્યાણના મજબૂત ટેકાથી ચંદ્રાબાબુ નાયડુ મુખ્યમંત્રી પદે આરૂઢ થયાં છે. પવન કલ્યાણે દક્ષિણ ભારતની રાજનીતિમાં આશ્ચર્યજનક વળાંક લાવી દીધો છે. તિરુપતિ મંદિરના ટ્રસ્ટ અને કર્મચારીઓમાંથી બિન હિન્દુઓને દૂર કરવાના નિર્ણય અને તુષ્ટિકરણની રાજનીતિ સમે ખુલીને બોલવાની આદતના કારણે પવન કલ્યાણ સતત વિવાદમાં રહ્યા છે. આ સાથે દેશ-વિદેશમાં તેમની લોકપ્રિયતા પણ વધી છે. તેલુગુ સિનેમાના પાવર સ્ટાર કહેવાતા પવન કલ્યાણની નવી ઈનિંગ પણ પાવરફુલ રહી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના દીકરા અકાયના નામનો અર્થ મોટાભાગના લોકોને ખબર નથી. આ શબ્દ નવો હોવાના કારણે ગૂગલ પર તેના વિષે ખૂબ સર્ચ થયુ હતું. ‘મીનિંગ’ સબ-કેટેગરીમાં અખાય શબ્દ બીજા ક્રમે હતો. ફેબ્રુઆરી મહિનામાં અનુષ્કા અને વિરાટના પરિવારમાં દીકરા અકાયનું આગમન થયું હતું. તેમણે દીકરાનું નામ જાહેર કર્યા પછી ઘણાં લોકોએ પોતાના પરિવારમાં આ નામ રાખવાનું વિચાર્યું હશે, જેથી સર્ચ વધી ગઈ હતી. ‘ઓલ આઈઝ ઓન રફા’ પછી અકાય શબ્દ સૌથી વધુ સર્ચ થયો હતો. સંસ્કૃતમાં અકાયનો અર્થ શરીર કે આકાર વગરનું અસ્તિત્વ થાય છે. સંસ્કૃત શબ્દ કાયા પરથી તેનો ઉદભવ થયો છે.

