કુલી’માં જોવા મળશે ફૂલ એક્શન અવતાર, ૭૦ ટકા શૂટિંગ પૂર્ણ , સત્યરાજ સાથે ૩૮ વર્ષ પછી કામ કરશે
Mumbai, તા.૯
રજનીકાંત તેની આગામી ફિલ્મ ‘કુલી’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સાઉથના ઘણા સ્ટાર્સ મહત્વના રોલમાં જોવા મળશે. આ દરમિયાન રજનીકાંતે ‘કુલી’ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું કે ફિલ્મનું ૭૦ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.આ દિવસોમાં સુપરસ્ટાર રજનીકાંત તેની આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘કુલી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાં તે ફુલ એક્શન અવતારમાં જોવા મળશે. આ દરમિયાન રજનીકાંત ‘કુલી’ના શૂટિંગ માટે થાઈલેન્ડ રવાના થઈ ગયા છે. પ્રખ્યાત નિર્દેશક લોકેશ કનગરાજ આ ફિલ્મ બનાવી રહ્યા છે. રજનીકાંતે હાલમાં જ તેની આગામી ફિલ્મ વિશે એક મોટું અપડેટ આપ્યું છે.રજનીકાંત થાઈલેન્ડ જવા માટે ચેન્નાઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતાં ‘કુલી’ના શૂટિંગ અંગે અપડેટ આપી હતી. રજનીકાંતે જણાવ્યું કે,ફિલ્મનું ૭૦ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું આગામી શેડ્યૂલ ૧૩ જાન્યુઆરીથી શરૂ થશે, જે ૨૮ જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન રજનીકાંતે રાજનીતિ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવાની ના પાડી દીધી હતી.રજનીકાંતની ‘કુલી’ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. તેલુગુ સ્ટાર નાગાર્જુન, કન્નડ સ્ટાર ઉપેન્દ્ર, શિવ રાજકુમાર અને સત્યરાજ જેવા મોટા કલાકારો તેમાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર આમિર ખાન પણ કેમિયો કરતો જોવા મળશે. જોકે, મેકર્સે હજુ સુધી આ સમાચારને સમર્થન આપ્યું નથી. રજનીકાંતની આ ફિલ્મમાં શ્રુતિ હાસન, રેબા મોનિકા જોન અને જુનિયર એમજીઆર પણ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મે ઘણા કારણોસર લોકોમાં રસ જગાવ્યો છે. તેમાંથી એક એ છે કે આ ફિલ્મમાં સત્યરાજ અને રજનીકાંત લગભગ ૩૮ વર્ષ પછી સાથે કામ કરતા જોવા મળશે. બંને છેલ્લે સુપરહિટ તમિલ ફિલ્મ ‘મિસ્ટર ભારત’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ ૧૯૮૬માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સત્યરાજે રજનીકાંતના પિતાની ભૂમિકા ભજવી હતી. રસપ્રદ વાત એ છે કે, સત્યરાજે રજનીકાંતની અગાઉની કેટલીક ‘એન્થિરન’ અને ‘શિવાજી’ જેવી ફિલ્મોમાં અભિનય કરવાની ઑફર ફગાવી દીધી હતી.સન પિક્ચર્સ દ્વારા નિર્મિત ‘કુલી’નું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. ફિલ્મની વાર્તા સોનાની દાણચોરીની આસપાસ ફરે છે. રસપ્રદ વાત એ છે કે દિગ્દર્શક લોકેશ કનાગરાજે ખુલાસો કર્યો છે કે ‘કુલી’ એક સ્ટેન્ડ એલોન ફિલ્મ હશે અને તે તેના લોકેશ સિનેમેટિક યુનિવર્સનો ભાગ નથી. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં આવશે.