ડો. હેલન પિલ્ચર નામના બહેન કોમેડિયન છે, પરંતુ સાથોસાથ તેઓ જીવવિજ્ઞાનમાં પીએચ.ડી. પણ છે. હવે તેમણે હસવાથી શરીરના વજન તથા ડાયટરી સિસ્ટ પર કેવી અસરો થાય છે એના પર એક વિશદ રિસર્ચ-પેપર રજૂ કર્યું છે. તેમના રિસર્ચના રિઝલ્ટ પ્રમાણે આપણે જેને અટ્ટહાસ્ય કહીએ છીએ એવું ખુલ્લા દિલે ખડખડાટ હસવાથી કલાકની ૧૨૦ના લેખે કેલરી બળે છે. આપણે જ્યારે બ્રિસ્ક-વોકિંગ એટલે ઝડપભેર ચાલવા નીકળીએ ત્યારે આટલા દરથી કેલરી બળતી હોય છે.
ઇવન તમે ઠીકઠીક હાસ્ય વેરતા રહો તો પણ કલાકની ૨૦ કેલરી બાળી શકો છો. આ સ્ટડી કહે છે કે ખડખડાટ હસવાથી લોહીનું પરિભ્રમણ તેજ થાય છે અને એ કાર્ડિયોવેસ્કયુલર વર્કઆઉટની ગરજ સારે છે, જે સરવાળે કેલરી બાળે છે. મતલબ કે તમે ટીવી પર કોઇ કોમેડી કાર્યક્રમ કે ફિલ્મ જોઇ રહ્યા હો ત્યારે હસવાની સાથોસાથ કસરત પણ કરો છો. અલબત્ત, એ વખતે તમે પેટમાં કશું પધરાવતા ન હોવા જોઇએ.