Ahmedabad, તા.16
અમદાવાદના ખ્યાતિકાંડના પગલે આરોગ્ય સેવા તથા હોસ્પિટલો વિવાદમાં આવી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક નવો પરિપત્ર ઇસ્યુ કરીને હોસ્પીટલો દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદવા માટે ફરજ ન પાડે તેવો આદેશ જારી કર્યો છે.
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યો છે કે, દર્દીઓ માટે જે હોસ્પીટલમાંથી સારવાર મેળવતા હોય તે જ હોસ્પીટલના મેડીકલ સ્ટોરમાંથી દવા લેવાનું ફરજીયાત નથી. હોસ્પીટલો પણ આવી ફરજ પાડી નહીં શકે ખોરાક અને ઔષધ કમિશ્નર ડો. એચ.જી. કોસીયાએ જણાવ્યું હતું કે, હોસ્પીટલો દ્વારા તેના દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી જ દવા લેવાની ફરજ પાડવામાં આવતી હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું.
આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે અને હોસ્પીટલોને આવી ફરજ નહીં પાડવા સુચના આપવામાં આવી છે. તેઓએ કહ્યું કે, રાજ્યના નાગરિકોને જીવન જરુરી દવાઓ ગુણવત્તાયુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ઇન હાઉસ મેડીકલ સ્ટોરમાંથી મળતી દવા ઘણા કિસ્સામાં મોંઘી હોય છે. આ સિવાય જેનેરીક કે અન્ય સસ્તી દવાઓ મેળવવા માંગતા દર્દીઓ તેનો લાભ લઇ શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.
તેઓએ કહ્યું કે, લોકોના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પીટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને એવી પણ સુચના આપવામાં આવી છે કે ‘આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવા બોર્ડ-બેનર લગાવવામાં આવે’ જેથી દર્દીઓ કોઇપણ મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદી શકે.