Gondal, તા.6
સોશિયલ મિડિયામાં રિલ્સ જોતાં ધ્યાન રાખજો, ક્યાંક રૂપીયા ગુમાવવાનો પણ વારો આવી શકે છે. કેમ કે, ગોંડલના મેડિકલ સ્ટોર સંચાલક સાથે શેરબજારમાં ટ્રેડિંગના નામે 1.01 કરોડની છેતરપીંડીનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. વૃધ્ધ મોબાઈલમાં રીલ્સ જોતા હતાં ત્યારે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ ગૃપમાં જોઈન થયાં, તેમાં આવેલ લિંક પર ક્લિક કરતા એક અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં જોઇન થયાં અને ફસાયા હતાં. હાલ બનાવ અંગે ગ્રામ્ય સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી તપાસ આદરી છે.
બનાવ અંગે ગોંડલની ભોજરાજપરા સોસાયટીમાં મારવાડી મિલ કમ્પાઉન્ડ પાસે રહેતા ચંન્દ્રકાંતભાઈ લક્ષ્મણભાઈ સખિયા (ઉ.વ.59) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ક્રિતિકા જોષીનું નામ આપતાં રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે છેતરપીંડી અને આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, હાલ તેઓને ગોંડલમાં ચોરડી દરવાજા, ઉદ્યોગ ભારતી ચોક પાસે સુરજ મેડીકલ સ્ટોર નામથી મેડીકલની દુકાન ચલાવે છે. તેઓ સગાવ્હાલાના સંપર્કમાં રહેવા માટે વોટસએપ, ફેસબુક, ઇન્સટાગ્રામનો ઉપયોગ કરે છે.
ગત જુન મહિનામાં તેઓ મોબાઈલમાં અલગ અલગ રીલ્સ જોતાં હતાં તે દરમ્યાન સોશિયલ મીડિયામાં આવેલ એક રીલ્સમાં શેર બજારમાં પૈસા રોકાણ કરી મોટો નફો મેળવવાની વાત કરતી રીલ્સ એકાદ અઠવાડિયા સુધી જોયેલ હતી. રીલ્સના નીચે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ ગૃપમાં જોઈન થવા માટેની લિંક હોય જેના પર ક્લિક કરતા એક અજાણ્યા વોટ્સએપ ગ્રુપમાં તેઓને જોઇન કરેલ હતાં.
જે ગુપમાં શેર બજારમાં આઈપીઓમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે તેવી ચર્ચા થતી હતી. જેથી આ બાબતે વધુ જાણવાની ઇચ્છા થતા તે ગૃપમાં મેસેજ આવતા હતા કે, વધુ જાણકારી માટે મોબાઇલ નંબર 9041368113 ઉપર ક્રિતિકા જોશી નામની મહિલા સાથે સંપર્ક કરવો.
ફરીયાદીએ ગઈ તા.25/06/2025 ના ક્રિતિકા જોશીના મોબાઇલ નંબર પર વોટ્સએપ મેસેજથી સંપર્ક કરતાં તેઓએ એક લિંક મોકલેલ હતી. તેમજ તે લીક સાથે રીપ્રેઝેન્ટેટિવ ઇન્વિટેશન કોડ પણ મોકલેલ હતો. જેથી આ લિંક પર ક્લિક કરી તેમાં ખૂલેલ ફોમમાં મોબાઇલ નંબર, આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબરની વિગત તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરી ફોર્મ સબમીટ કરેલ હતા.
ત્યારબાદ આ અજાણ્યા વોટ્સએપ ગૃપમાંથી તેઓને એકિઝટ કરી દીધેલ અને નવા ગ્રૂપ 1111 ઇન્વેસ્ટમેન્ટ સર્કલ ગૃપમાં એડ કરી દિધેલ હતાં. તેમાં પણ શેર બજાર તથા આઈપીઓ સંબંધિત માહિતીઓની ચર્ચા થતી હતી જેમાં અલગ અલગ ગ્રૂપ મેમ્બર પોતાને થતા નફા વિશે મેસેજ કરતા હોય જેથી ફરીયાદીને પણ આ બાબતે લાલચ જાગેલ હતી અને આ ગ્રુપમાં અપાતી માહિતી મુજબ ટ્રેડીંગ ચાલુ કરેલ હતુ.
જેમા ક્રિતિકા જોશી નામની વ્યક્તિએ વોટ્સએપ પર મેસેજ કરી અલગ અલગ બેંકના એકાઉન્ટ નંબર આપી તેમાં પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવેલ હતું. જેથી તેઓએ તેમના અને તેમના પત્નીના એકાઉન્ટમાંથી રૂપીયા ટ્રાન્સફર કરેલ હતાં.
જેમાં ક્રિતિકા જોશી નામની વ્યક્તિએ પોતાની ઓળખ ફાયર્સ ટીમના કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તરીકે આપી અલગ અલગ મોબાઈલ નંબર પરથી વોટ્સ એપ પર ચેટ કરી કુલ રૂ.1.01 કરોડ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલ અને આ દરમ્યાન રાજીવ મહેતા નામના શખ્સે પણ પોતાની ઓળખ ફાયર્સ ટીમના ચિફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે આપી રોકાણ બાબતે વોટ્સએપ પર દિલાશો તથા લોભામણી સ્કિમો આપી તેમજ પૈસા ન ભર્યેથી તમારી ક્રેડિટ ઓછી થવાથી ભવિષ્યમાં આઈ.પી.ઓ. તથા શેર નહિ લાગે તેવું જણાવી આ બાબતે વધારે રોકાણ કરવા મજબૂર કરેલ હતાં.
તેમજ આ દરમ્યાન અન્ય એક વ્યક્તિ દિપક ખુરાના નામથી વોટ્સ એપ 52 ચેટ કરેલ અને પોતે ફાયર્સ ટીમના ઇન્વેસ્ટમેન્ટ ગૃપના ઇન્વેસ્ટર છે. તેમજ હાલ પોતે ગુજરાતના કચ્છમાં એગ્રિકલ્ચરનો બિઝનેશ કરતા હોય તેમજ આ ગૃપમાં પણ રોકાણ બાબતે બહુ સારુ એવુ પ્રોફિટ આપતાં હોવાની જેવી વોટ્સ એપ પર વાતો કરેલ અને ફરીયાદીને ફાયર્સ વિઆઈપી 222 માર્કેટ ગ્રૂપમાં છેલ્લે એડ કરી તેમાં પણ ઇન્વેસ્ટમેન્ટ સંબંધી વાતો થતી હોય પરંતુ ફરીયાદીને અંતે તેમની સાથે ફ્રોડ થયેલાનું જણાતા ગઈ તા.08/09/2025 ના સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નં.1930 પર ફોન કરી ફરીયાદ નોંધાવતાં રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમની ટીમે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો.