વિસાવદરના અલ્કેશ સાવલિયાની ધરપકડ : રૂ. 24 હજારનો મુદ્દામાલ કબ્જે કરતી એસઓજી
Jetpur,તા.25
રાજકોટ ગ્રામ્ય એસઓજી ટીમે જેતપુરના ખારચીયા ગામના બસ સ્ટેન્ડ નજીકથી 1.981 કિલોગ્રામ ગાંજા સાથે વિસાવદરના શખ્સની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એનડીપીએસ એક્ટ હેઠળ વધુમાં વધુ કેસો કરી યુવા ધનને નશાના કાળા અંધારામાં જતા અટકાવવા માટેની સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને એસઓજી પીઆઈ એફ એ પારગીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, વીરરાજભાઈ ધાધલને સંયુક્ત બાતમી મળી હતી કે, અલ્કેશ કાંતિભાઈ સાવલિયા નામનો શખ્સ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી જેતપુર વિસાવદર રોડ પર ખારચીયા ગામના બસ સ્ટેન્ડની આજુબાજુમાં આટા ફેરા કરી રહ્યો છે. જે બાતમી મળતા એસઓજી ટીમે દરોડો પાડી અલ્કેશના કબજામાંથી 1.981 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂ. 19810 મળી કુલ રૂ.24,810 નો મુદ્દામાલ કબજે કરી અલ્કેશ ઉર્ફે પીન્ટુ કાંતિભાઈ સાવલિયા (ઉ.વ.30 રહે. મોટા કોટડા મેઈન બજાર, વિસાવદર,જુનાગઢ)ની ધરપકડ કરી હતી.