Porbandar, તા.30
સૌરાષ્ટ્રમાં ગઇકાલે પણ મધ્યમ અને ભારે વરસાદ યથાવત રહેવા પામ્યો હતો અને પોરબંદરના માધવપુર ઘેડમાં મુશળાધાર-7 ઇંચ તેમજ 24 કલાક દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વધુ 6 ઇંચ, સુત્રાપાડામાં 9ાા ઇંચ, કોડીનારમાં 5ાા ઇંચ, ઉનામાં 6, ગીર ગઢડામાં પોણા ચાર, તાલાલામાં 5ાા ઇંચ, સાવરકુંડુલા 1, તેમજ જામનગર-જૂનાગઢ અને ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.
જ્યારે આજે સવારથી રાજકોટ સહિત અનેક સ્થળોએ સૂર્યનારાયણે દર્શન દીધા હતા. દરમ્યાન માધવપુર ઘેડમાં ધમાકેદાર 7 ઇચ વરસાદ વરસ્યો હતો. ગત રાતના 11 વાગ્યા થી સવાર ના 11 વાગ્યા સુધીમાં 7 ઇચ જેટલો વરસાદ વરસતા ઘેડ વિસ્તાર સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડુતો પરેશાન થયા હતા.
તથા ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવેલ છે અને સુરક્ષાના કારણોસર માછીમારોને તાત્કાલિક કિનારે પરત ફરવા અને દરિયો ખેડવા ન જવા સૂચના અપાય છે. ત્યારે ગઈકાલે રાત્રીના આઠ થી આજે રાત્રીના આઠ વાગ્યા સુધીમાં જિલ્લામાં ત્રણ થી નવ ઇંચ જેવો વરસાદ પડતા મોટાભાગની ગરબીઓ અને નવરાત્રીના કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે. આ ભારે વરસાદથી મગફળી, પશુ ચારા ના પાક ને નુકશાન થતા ખેડુતો દ્વારા સહાયની માંગ ઉઠી છે.
સુત્રાપાડા, કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ માછીમારી નૌકાઓને પરત બોલાવવા ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને સતત જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ, વહીવટી સંકુલ,વેરાવળ બંદર દ્વારા સ્થાનિક માછીમારો ને જણાવ્યું કે તેઓ આવક માટે દરિયો ખેડવા આતુર હોય છે, પરંતુ હાલ તંત્રની ચેતવણીને ધ્યાનમાં રાખીને તેઓ સલામતીને પ્રાથમિકતા આપશો. હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતા વધુ વરસાદ અને જોરદાર પવનની શક્યતા છે. આથી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે રાત્રીના આઠ વાગ્યાથી વરસાદ પડવાનું શરૂ થતા આજે સવારે આઠ વાગ્યા સુધીમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 155 મી.મી. (6.2 ઇચ), સુત્રાપાડામાં 237 મી.મી. (9.48 ઇચ), કોડીનારમાં 135 મી.મી. (5.4 ઇચ), ઉનામાં 155 મી.મી. (6.2 ઇચ), ગીરગઢડામાં 92 મી.મી. (3.68 ઇચ) અને તાલાલામાં 140 મી.મી. (5.6 ઇચ) વરસાદ પડેલ હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે અને જીલ્લામાં આવેલા ડેમોમાં પણ વરસાદી પાણીની આવક હોવાથી નીચાણ વાળા વિસ્તારો ને સાવચેત કરી દરવાજા ઓ ખોલવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
જ્યારે પ્રભાસ પાટણ અને ગ્રામ્ય વિસ્તારો ગઈ રાત્રે અને આઠમાં નોરતે અને માતાજીના હવનના દિવસે આકાશી કડાકા ભડાકા અને જોરદાર વરસાદી વીજળીના ચમકારા સાથે મેઘરાજાએ વરસાદી રમઝટ બોલાવી હતી બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયેલ છે અને માછીમારીને દરિયો ન ખેડવા સૂચના અપાય છે દરિયાના મોજા માં ભારે કરંટ છે અને ભારે સુસવાટા ભર્યા પવન ફૂંકાઈ ગયો છે અને રાત્રિભર વરસાદ વરસ્યો હતો દરિયામાં પવનનો ભારે કરંટ છે હિરણ બે ડેમના પાંચ દરવાજા 0.23 ખોલાતા પ્રભાસ પાટણ ની ત્રિવેણી નદીમાં ભારે પાણી આવતા ત્રિવેણી ગેટ પાસેના ઘાટ ઉપર પાણીથી છલોછલ થઈ ગયેલ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે તેમજ જે ખેડૂતો એ મગફળી સહિતના પાકો કાઢેલ છે તેવો ને ભારે નુક્સાન થયેલ છે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હોવાથી લોકો ને અવર જ્વર મા મુશ્કેલી પડી રહેલી છે.
ઉપરાંત ઉના ગીરગઢડા સમગ્ર પંથકમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. લાંબા સમય ના વિરામ બાદ ગઈકાલથી શરૂ થયેલા વરસાદને કારણે રાવલ ડેમ ઉપર ના ભાગે અધાધાર પડેલા વરસાદને કારણે સિઝનમાં પ્રથમવાર રાવલ ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત મચછુદ્ધી ડેમ ના ઓગન ઓવરફલો થતાં શહેરની મછુન્દ્રી નદીમાં પણ નવા નીરની ભરપૂર આવતા ગીરગઢડા તાલુકા ના 16 ગામો અને ઉના ના નીચાણવાળા 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગઈકાલે ઉના પંથકમાં 4 ઇંચથી વધુ વરસાદનોંધાયો હતો. આજે વહેલી સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો હતો. સવારે 6 થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં વધુ દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જંગલ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક વરસાદ થયો છે.
ગીર જંગલ વિસ્તારમાં આવેલો રાવલ ડેમ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. રાત્રિના સમયે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા, જોકે પાણીની આવક ઓછી થતાં હાલ બે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમ નીચે આવતા ઉના અને ગીરગઢડા તાલુકાના 16 થી વધુ ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
તથા 29 સપ્ટેમ્બર 2025 સોમવારના રોજ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા હતા ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
અમરેલી જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સાવરકુંડલા શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો છે.
તેમજ જામનગર શહેર અને જિલ્લાભરમાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને આજે સવારે પણ ભારે પવન સાથે વાદળો ની અવરજવર આકાશમાં સતત જોવા હતી .આજે વહેલી સવારે 4ઃ થી 6 દરમિયાન ધ્રોલમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો.
જ્યારે જામજોધપુરમાં આઠમીમી વરસાદ નોંધાયો હતો આમ જોઈએ તો જામનગર જિલ્લાની અંદર અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ જામનગરમાં 638 મિમી, જોડીયામાં 954 મિમી,ધ્રોલમાં 497 મિમી,કલાવડમાં 682 મીમી લાલપુરમાં 582 મીમીઅને જામજોધપુરમાં 779 મિમી વરસાદ કંટ્રોલરૂમમાં નોંધાયો છે.
આમ જિલ્લાની અંદર થઈ રહેલા આ વરસાદને કારણે ત્યાં ખેડૂતોમાં ખુશીને ક્યાંકનું ગમનું મોજુ છવાયેલું છે કારણ કે હાલમાં મગફળીના પાક જે આગોતરા વાવેતર કરેલ હતો તે નીકળવાની તૈયારી હોય તેવા સમયે આ વરસાદ થવાને કારણે કેટલાય ખેડૂતોને નુકસાની નો ભાર પણ સહન કરવો પડશે તેવું લાગી રહ્યું છે ભારે વરસાદની આગાહીને લઈને આજે જામનગર શહેરમાં વહેલી સવારે એક ઝપટું થતા જેને કારણે રોડ ઉપર પાણી ચાલતા થયા હતાં.
ગઈકાલે બપોર બાદ જ મેઘરાજાએ વિરામ લેતા મોડી રાત સુધી રાસોત્સવની અંદર ખેલૈયાઓએ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી. જ્યારે ભાવનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. આજે મંગળવારે સવારે તડકો નીકળ્યો હતો. હવામાન ખાતાની વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં ઉઘાડ નીકળતા લોકોમાં રાહતની લાગણી જન્મી છે. ગોહિલવાડ પંથકમાં આજે સવારથી ઉઘાડ નીકળ્યો હતો.
તેમજ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. આજે સવારે ભાવનગરનું લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયુ થયું હતું. સવારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 80% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 20 કી.મી. પ્રતિ કલાક રહી હતી. છેલ્લા બે દિવસથી ભાવનગરમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે.