New Delhi,તા.30
દેશમાં વિવિધ કઠોળની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા બે વર્ષથી આપેલી છુટછાટો હવે પાછી ખેંચવાનું શરૂ કર્યુ હોય તેમ પીળા વટાણા પર ફરી 10 ટકા આયાત જકાત તથા 20 ટકાની વધારાની સેસ ઝીંકવામાં આવી છે.
1લી નવેમ્બરથી આ ટેકસ અમલી બનશે. કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે સ્વદેશી ખેડુતોના હિત જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા વખતથી ખેડુતો કેનેડા-રશિયાથી આયાત થતા પીળા વટાણા પર આયાત જકાત લાગુ કરવાની માંગ કરતા હતા. સસ્તા ભાવની ચિકકાર આયાતને કારણે ઘરઆંગણે ખેડુતોને યોગ્ય ભાવ મળતા ન હોવાની દલીલ કરવામાં આવતી હતી.
વેપારી સૂત્રોએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં જંગી આયાત થઈ હતી. પરિણામે પીળા વટાણાના ભાવ 50 રૂપિયાથી ઘટીને 32 રૂપિયા થઈ ગયા હતા જે ફરી વધી શકે છે.

