Bhavnagar,તા.18
ભાવનગરમાં શનિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા જીએસઆરટીસીની ૧૨૦૦ બસ ફાળવવામાં આવી છે.
શહેરના જવાહર મેદાનમાં તા.૨૦-૯ને શનિવારે પીએમ મોદીના યોજાનારા કાર્યક્રમમાં ભીડ દેખાડવા માટે સરકારી વિભાગો અને ભાજપના આગેવાનો ઘાંઘાં થયા છે. ભાવનગર જિલ્લા અને નજીકના તાલુકા મથકોએથી માણસો લાવવા, લઈ જવા માટે કલેક્ટર કચેરી તરફથી ૧૩૦૦ એસ.ટી. બસોની માંગણી કરવામાં આવતા ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આઠ ડેપોમાંથી ૧૦૦ બસની ફાળવણી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના અમરેલી ૧૨૦, જૂનાગઢ ૧૫૦, રાજકોટ ૧૦૦, જામનગર ૭૦, અમદાવાદ ૧૦૦, વડોદરા ૧૦૦, ભરૂચ ૫૦, નડીયાદ ૧૫૦, મહેસાણા ૧૫૦, હિંમતનગર ૧૦૦, પાલનપુર ૫૦ અને ગોધરા વિભાગમાંથી ૬૦ મળી કુલ ૧૨૦૦ બસ પીએમના કાર્યક્રમ માટે ભાવનગર પહોંચશે. એસ.ટી. બસોના શેડયૂલ કેન્સલ કરી કાર્યક્રમ માટે ફાળવવામાં આવતા શનિવારે મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડશે.