Surendranagar,તા.29
સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા ગયેલા 100થી વધુ શ્રદ્ધાળુઓ કાદવમાં ફસાયા હતા. આઠ ગાડીઓ અને એક લક્ઝરી બસ ફસાઈ જતાં, ઝીંઝુવાડાના સરપંચ હરીભા ઝાલા અને સ્થાનિક યુવાનોએ ટ્રેક્ટરની મદદથી આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
મહેસાણા અને કડી સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓની ચાર ઈકો ગાડી, ચારથી પાંચ નાની ગાડીઓ અને એક લક્ઝરી બસ રણમાં વરસાદને કારણે કાદવમાં ફસાઈ ગઈ હતી. ચોમાસું પૂરું થયા બાદ વાછડાદાદાની ઐતિહાસિક જગ્યાએ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે, ત્યારે રણમાં વરસાદ પડતાં વાહનો ફસાઈ જવાનો ભય રહે છે.
વાછડાદાદાની જગ્યાના વિજુભા ઝાલાને ઘટનાની જાણ થતાં તેમણે પોતાના સ્વયંસેવકોની ટીમને સ્થળ પર મોકલી હતી. બીજી તરફ, ઝીંઝુવાડાના યુવા સરપંચ હરીભા ઝાલા સહિતના યુવાનો ટ્રેક્ટરો સાથે રણમાં દોડી ગયા હતા. તેમણે ત્રણથી ચાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ લોકોને કાદવમાંથી બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા.
રણમાંથી બચાવી લેવાયેલા તમામ શ્રદ્ધાળુઓને મોડી રાત્રે ઝીંઝુવાડા રાજેશ્વરી માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના માટે ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ અંગે ઝીંઝુવાડા સરપંચ હરીભા ઝાલાએ જણાવ્યું કે, આ તમામ શ્રદ્ધાળુઓ ખાનગી વાહનોમાં વાછડાદાદાની જગ્યાએ દર્શન કરી પરત આવતા સમયે રણમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ રણમાં ફસાઈ ગયા હતા.
આ તમામ લોકોને બચાવી લઈને અને જે વાહનો રણમાં બગડ્યા હતા, એમને ટ્રેક્ટરમાં દોરડાથી બાંધીને સલામત રીતે ઝીંઝુવાડા લાવવામાં આવ્યા હતા. રાત્રે ઝીંઝુવાડા રાજેશ્વરી માતાના મંદિરે જમવાની અને રાત્રી રોકાણની વ્યવસ્થા કરી સવારે તમામ શ્રદ્ધાળુઓ પોતાના ગામ તરફ પરત નીકળ્યા હતા.
વરસાદ પડતાં જ રસ્તો અદ્રશ્ય થઇ ગયો અમે મહેસાણાથી 3 ગાડી લઇને 17 લોકો દર્શન કરવા માટે ઝીંઝુવાડાથી રણમાં ગયા હતા. દર્શન કરીને પરત ફર્યા ત્યારે 1 વાગ્યાના અરસામાં 13 કિમી ચાલ્યા અને અચાનક વરસાદ પડવા લાગ્યો અને જોત જોતા માતો રણના રસ્તા દેખાતા બંધ થઇ ગયા. ગાડીઓ બહાર કાઢવા પ્રયાસ કર્યો તો ચીકણી માટીને કારણે ટાયરો ફરવા લાગ્યા હતા. ઘનશ્યામભાઈ પટેલ, મહેસાણા
રણમાં ફસાવો તો સફેદ ધજા અને પથ્થરોના સહારે ચાલવું હિતાવહ રણમાં દાદાની જગ્યાએ દર્શન કરવા માટેનો રસ્તો એકદમ કાચો છે. યાત્રિકો રસ્તાથી ભટકે નહીં તે માટે ખારાધોડા અને ઝીઝુંવાડાથી 30 કિમી સુધી સફેદ ધજા અને પથ્થર મૂકવામાં આવ્યા છે. જેથી રાત્રે પણ દેખાય. .પરંતુ વરસાદ પડતા પથ્થર અને ધજા દેખાતી નથી.અને અફાટ રણાં માત્ર પાણી જ દેખાય છે.આવા સમયે દાદાની જગ્યાના આગેવાનોનો સંપર્ક કરવો જોઇએ.બીજુ કે બને ત્યા સુધી ચોમાસુ કે જયારે વરસાદની આગાહી હોય ત્યારે રણમાં ન આવવુ જોઇએ.
મહિલા-બાળકોને ટ્રોલીમાં બેસાડી બહાર લાવ્યા અમારી ટીમ 2 ટ્રોલી, 5 ટ્રેક્ટર લઇને પહોંચી હતી. મહિલા અને બાળકોને સૌપ્રથમ ટ્રેકટરની ટ્રોલેમાં બેસાડી બહાર લઇ જવામાં આવ્યા ત્યાર બાદ દોડરડા બાંધી ફસાયેલા વાહનોને બહાર લવાયા હતા. હતા. 4 કલાકની મહેનત બાદ યાત્રીઓને બહાર લાવી શકયા હતા. હરીભા ઝાલા (સરપંચ, ઝીંઝુવાડા)એ જણાવેલ હતું.

