Jamnagar તા.5
જામનગરમાં હિમાલય સોસાયટીમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરતા 35 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ઉપર 11 શખ્સો દ્વારા લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સિટી સી ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરની ડીફેન્સ કોલોની, વુલનમીલ નજીક રહેતાં અને ક્ધટ્રકશનનો વ્યવસાય કરતાં બાબુભાઇ દેવાભાઇ કનારા (ઉ.વ.35)એ સુનિલ ભાટિયા, મયુર ભાટિયા, દર્શન ભાટિયા અને અન્ય અજાણ્યા આઠ શખ્સો સામે પોતાના તેમજ પોતાના મિત્ર પર હુમલો કરવા સબબ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર બાબુભાઇ અને તેમના મિત્ર ભાવેશભાઇ માડમ અને આરોપી સુનિલ ભાટીયા વચ્ચે અગાઉ માથાકૂટ થઈ હતી, જેના સમાધાન માટે બાબુભાઇ અને ભાવેશભાઇને આરોપીઓએ હિમાલય સોસાયટીમાં બોલાવ્યા હતા.
જ્યાં સમાધાન કરવાના બદલે તમામ આરોપીઓએ બંને યુવાનો પર લોખંડના પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી દીધો હતો, જેથી મામલો સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે બાબુભાઇની ફરિયાદના આધારે સુનિલ ભાટિયા, મયુર ભાટિયા, દર્શન ભાટિયા અને અન્ય અજાણ્યા આઠ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

