પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બયુલન્સ, મહિલા અને સાયબર હેલ્પલાઇન માટે હવે અલગ અલગ નંબર ડાયલ કરવાની જરૂરિયાત નહિ રહે
Rajkot,તા.15
પોલીસ, ફાયર બ્રિગેડ, 108 એમ્બયુલન્સ, મહિલા અને સાયબર હેલ્પલાઇન માટે હવે અલગ અલગ નંબર યાદ રાખવાનું જરૂરિયાત રહેશે નહિ. રાજકોટ શહેરમાં આજ રાતથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેથી તમામ પ્રકારની ઇમરજન્સીમાં હવે ફક્ત એક જ નંબર પરથી સહાયતા મળી રહેશે. નવી હેલ્પલાઇનનું સંચાલન તદ્દન ડિજિટલ સિસ્ટમથી કરવામાં આવનાર છે જેના માટે કર્મચારીઓને ટ્રેનિંગ આપી દેવાયા બાદ આજ રાતથી 112 હેલ્પલાઇનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
112 જનરક્ષક હેલ્પલાઇનની સેવા આજે રાત્રીથી રાજકોટ શહેરમાં અમલમાં આવવા જઈ રહી છે. હાલ સુધીમાં પોલીસને લગતી ફરીયાદો માટે 100 નંબર, એમ્બયુલન્સ માટે 108, મહિલા હેલ્પલાઇન માટે 181, સાયબર હેલ્પલાઇન અર્થે 1930 અને ફાયર બ્રિગેડ માટે 101 નંબર ડાયલ કરવામાં આવતો હતો. જો કે, હવે જનરક્ષક હેલ્પલાઇન 112 ની અમલવારી થતાં આ તમામ સેવાઓ એક જ તર્જ પર ઉપલબ્ધ થનાર છે.
112 નંબર ડાયલ કરવા માટે મોબાઈલ ફોન અને લેન્ડલાઈન ફોનનો પણ ઉપયોગ કરી શકાશે. આ કોલની સેવા નિઃશુલ્ક રહેશે. 112 ની સેવાના પ્રારંભ સાથે રાજકોટની દરેક પીસીઆર વાનમાં એસઓપી મુજબ એક વાયરલેસ સેટ, એક ટેબ્લેટ, કાર ચાર્જર (જનરક્ષક એપ્લીકેશન ઈન્સ્ટોલેશન માટે), ઈમરજન્સી લાઈટ, જીપીએસ, આગ બુઝાવવાના સાધનો, ફર્સ્ટ એઈડ બોક્ષ, સહીતની સામગ્રી હાજર રાખવામાં આવશે.
નવી હેલ્પલાઇનમાં તમામ કામગીરી ડિજિટલી કરવામાં આવનાર છે. જેમાં પીસીઆર વાનને સહાયતાના કોલથી માંડી અંતિમ રિપોર્ટ સબમિટ કરવા સુધીની તમામ કામગીરી ડિજિટલી કરવામાં આવનાર છે. જેના માટે તમામ પીસીઆર વાનના ઇન્ચાર્જને ટેબ્લેટ આપવામાં આવનાર છે. આ ટેબ્લેટ ઓપરેટ કરવા અંગે સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. એક તબક્કાની તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ હવે પોલીસ સ્ટેશન દીઠ કર્મચારીઓને તાલીમ આપવામાં આવનાર છે.
કેવી રીતે હેલ્પલાઇન નંબર કામ કરશે?
કોઈ પણ અરજદાર જયારે 112 હેલ્પલાઇન નંબર ડાયલ કરશે તો સીધો જ ગાંધીનગર કંટ્રોલરૂમ ખાતે કોલ કનેક્ટ થઈ જશે. જે બાદ પીસીઆર વાનના જીપીએસ લોકેશનના આધારે નજીકમાં રહેલી પીસીઆર વાનને આપવામાં આવેલ ટેબ્લેટ પર ડિજિટલી વર્ધી આપવામાં આવશે. જે બાદ પીસીઆર વાન લોકેશનના આધારે બનાવ સ્થળે મદદે પહોંચશે. બાદમાં પીસીઆર વાનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ પણ ડિજિટલી જ અપલોડ કરવામાં આવશે.
રાજકોટ ગ્રામ્યમાં જનરક્ષક હેલ્પલાઇનની અમલવારીની તૈયારીઓ પૂર્ણ : હિમકરસિંહ
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે જણાવ્યું હતું કે, હાલ અમારી પાસે 23 પીસીઆર વાન ઉપલબ્ધ છે જેને જન રક્ષક હેલ્પલાઇનમાં રૂપાંતરીત કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સ્ટાફની તાલીમ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જન રક્ષક હેલ્પલાઇન અર્થે હેડ ક્વાર્ટરમાંથી ડ્રાયવરની ફાળવણી કરવામાં આવશે જયારે પોલીસ મથક દીઠ સ્ટાફની નિમણુંક કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રજાને ઝડપી રિસ્પોન્સ મળે તેવા શુભ ઉદેશ્ય સાથે આ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી છે. જેનું બે સ્થળે મોનીટરીંગ કરવામાં આવનાર છે.