Rajkot,તા.10
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક સપ્તાહ સુધી બ્લેક ફિલ્મ લગાવી વાહન દોડાવતા વાહન ચાલકો વિરુદ્ધ વિશેષ ડ્રાઇવનું આયોજન કરી કુલ 1134 વાહનચાલકો વિરુદ્ધ પગલાં લઇ રૂ. 5.67 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શહેરી વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે તે માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને ઇન્ચાર્જ એસીપી ટ્રાફિક વી જી પટેલની સુચનાથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગત તારીખ 2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી બ્લેક ફિલ્મ વાળા વાહનો વિરુદ્ધ વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન ભંગ કરતા અને બ્લેક ફિલ્મ લગાવી કાળા કાચ કરી વાહન દોડાવતા કુલ 1134 વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 1134 વાહન ચાલકોના કારમાંથી બ્લેક ફિલ્મ દૂર કરીને રૂ. 5.37 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વધુમાં ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા યાદવએ જણાવ્યું હતું કે આ પ્રકારની વિશેષ ડ્રાઇવ ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખી ટ્રાફિક નિયમનો ભંગ કરતા શખ્સોં વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે.