Gandhinagar, તા. 3
ગુજરાતમાં વર્ક કલ્ચરને મહત્વ આપવા રાજય સરકારે ફેકટરી એકટમાં મોટા સુધારા કર્યા છે અને હવે દિવસમાં 9 ને બદલે 1ર કલાક સુધી કામકાજની છુટ આપવામાં આવી છે જોકે પુરા સપ્તાહ દરમ્યાન 48 કલાકથી વધુ કામગીરી કરી શકાશે નહીં.
સરકારે જણાવ્યું હતું કે, 12 કલાકની શીફટમાં 6 કલાકના અંતે 30 મીનીટનો બ્રેક આપવો જરૂરી બની ગયો છે. એક તરફ દેશમાં ફાઇવ ડે વીકની તૈયારી છે તે સમયે રાજય સરકારે આ સાથે હવે ડેઇલી વર્કિંગ અવર્સ વધારીને ફેકટરીઓ માટે સાનુકુળ સર્જી છે અને 12 કલાકની શીફટ એ ફેકટરીઓના કામકાજમાં એકસુત્રતા લાવશે.
આ ઉપરાંત સરકારે ફેકટરી એકટમાં કરેલા નવા સુધારા મુજબ મહિલાઓને નાઇટ શીફટ કરવાની પણ મંજૂરી આપી છે અને તેમાં કોમર્શિયલ એસ્ટાબીલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકારે જાહેર કરેલા નવા વટહુકમ મુજબ મહિલાઓ રાઉન્ડ ધ કલોક એટલે કે દિવસ અને રાત્રી બંનેમાં કોઇપણ શીફટમાં સામેલ થઇ શકશે અને તે માટે મહિલાઓની સલામતીની વ્યવસ્થાઓ પણ કરવી જરૂરી બનશે.
હાલ રાજયમાં 9 કલાકની જે શીફટ છે તેમાં થયેલો વધારો એ મલ્ટીનેશનલ કંપનીઓ માટે સૌથી મહત્વનું બની જશે. રાજય સરકારે અગાઉ નાઇટ શીફટ માટે જે મંજૂરી આપી હતી તેના નિયમોમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે.
મહિલાઓને ફેકટરીના સ્થળે લાવવા-લઇ જવાની સુરક્ષા વ્યવસ્થા પણ જે તે ફેકટરી પર મુકવામાં આવી છે અને તેમાં એક મહિલા માર્શલ હોય તે પણ નિશ્ચિત કરવા જણાવ્યું છે.