Surat,તા.23
દેશભરમાં આપઘાતના કેસ ચોંકાવનારી રીતે વધી ગયા છે. જેમાં નાના બાળકો પણ બાકાત નથી. ક્યારેક ફોન ન આપવાની બાબતે તો ક્યારેક ગેમ ન રમવા જેવી બાબતોના કારણે બાળકો આપઘાત કરવા લાગ્યા છે. ગુજરાતના સુરતમાંથી છેલ્લાં બે દિવસથી આવા કેસ સામે આવ્યા છે. જેમાં મંગળવારે (22 જુલાઈ) પિતાએ ફોન ન આપતા 17 વર્ષના કિશોરે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે બુધવારે (23 જુલાઈ) 12 વર્ષના કિશોરે બહેનનું માઠું લાગી જતા આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું છે.
મળતી માહિતી મુજબ, સુરતના કતારગામમાં મૂળ બિહારના વતની 12 વર્ષના કિશોરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સરકારી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતા કિશોરે નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. હકીકતમાં તેની નાની બહેને તેને પૂછ્યા વિના તેનું ખાવાનું ખાઇ લીધું હતું. આ વાતનું કિશોરને માઠું લાગી ગયું હતું. જેના કારણે તેણે આપઘાત કરવા જેવું મોટું પગલું લીધું હતું. નોંધનીય છે કે, મૃતકના પિતા એમ્બ્રોડરની કારખાનામાં કામ કરે છે અને તેમના પાંચ સંતાન છે, જેમાંથી એકે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાંથી કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ સિવાય ઘરના તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મંગળવારે પણ સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક 17 વર્ષીય કિશોરે તેના પિતાએ મોબાઈલ ફોન આપવાની ના પાડતા આપઘાત કરી લીધો હતો. કિશોર ધોરણ 12માં હતો અને અભ્યાસમાં ધ્યાન આપવાના બદલે મોટાભાગનો સમય મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હતો. જેને લઈને તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને મોબાઈલ ફોન આપવાની ના પાડી હતી. પિતાના આ નિર્ણયથી નારાજ વિદ્યાર્થીને આઘાત લાગતાં તેણે જીવન ટૂંકાવી દીધું હતું.