Rajkot તા.2
રાજય સરકાર દ્વારા નવી જંત્રી લાગુ કરવા માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.આ દરમ્યાન ગત એપ્રિલ માસ દરમ્યાન રાજકોટ શહેર જીલ્લામાં 13041 મિલ્કતોનું વેચાણ થવા પામેલ છે. જેના દસ્તાવેજોનુ રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતાં રાજય સરકારને રૂા.83,55,21,952 ની આવક થવા પામી છે.
રાજકોટ શહેરમાં મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1712 મિલ્કતોનું વેંચાણ થવા પામેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે મિલકતોનાં ખરીદ વેંચાણમાં છેલ્લા લાંબા સમયથી મોરબી રોડ વિસ્તાર હોટ ફેવરીટ રહેવા પામેલ છે.
મોરબી રોડ વિસ્તારમાં 1712 મિલકતોનું વેંચાણ થતાં તેના દસ્તાવેજની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતા તેની ફી અને યુઝ ડયુટી પેટે સરકારને રૂા.89,075,797 ની આવક થવા પામી છે.
આવી જ રીતે રાજકોટ-1 માં 893, રૈયા વિસ્તારમાં 845, રતનપરમાં 861, મૌવા વિસ્તારમાં 830, મવડીમાં 1399, કોઠારીયામાં 889, તેમજ રાજકોટ ગ્રામ્યમાં 811, મીલ્કતોનું વેંચાણ થવા પામેલ છે.
જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ગોંડલમાં 1153, જામકંડોરણામાં 115, પડધરીમાં 238, વિંછીયામાં 81, જેતપુરમાં 692, લોધીકામાં 840, કોટડાસાંગાણીમાં 434, ઉપલેટામાં 433, ધોરાજીમાં 337, જસદણમાં 478, મિલ્કતોનૂં વેંચાણ થતાં તેના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામેલ છે.
અહી એ ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર-જીલ્લામાં માર્ચ-2025 સૌથી વધુ 15895 મિલ્કતોનું વેંચાણ થતાં તેના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામેલ છે.
માર્ચ માસની સરખામણીએ ગત એપ્રિલ માસમાં દસ્તાવેજોનાં રજીસ્ટ્રેશનમાં ઘટાડો થવા પામેલ છે તેમ છતાં એપ્રિલ માસમાં રાજકોટ શહેર જીલ્લામાં 13041 મિલકતોનું વેંચાણ થતાં તેના દસ્તાવેજોનાં રજીસ્ટ્રેશન થતાં રાજય સરકારની તિજોરીમાં આ દસ્તાવેજોની ફી અને યુઝડ ડયુટી પેટે રૂા.83.55 કરોડની રકમ ઠલવાઈ જવા પામી છે.